અમદાવાદ- કચ્છની ખાડીમાંથી થઈને કેટલાક પાકિસ્તાની કમાન્ડો ગુજરાતમાં ઘૂસ્યાં હોવાની માહિતી મળી રહી છે. ગુપ્ત એજન્સીઓએ આ અંગે જાણકારી આપી છે. પાણીની અંદર કોઈ પણ હુમલાથી બચવા માટે ગુજરાતના તમામ કાંઠા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના કોસ્ટ ગાર્ડને ઈન્ટેલિજન્સના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં પ્રશિક્ષિત કેટલાક કમાન્ડો કચ્છની ખાડીમાં પ્રવેશ્યાં છે. પાકિસ્તાની કમાન્ડો અંગે ગુપ્ત જાણકારી એ પણ છે કે, તે પાણીની અંદર હુમલો કરવામાં અનુભવી છે અને પોર્ટની સાથે જહાજોને પણ નિશાન બનાવી શકે છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સરકારી અને ખાનગી પોર્ટને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અદાણી માઈનિંગ અને મુન્દ્રા પોર્ટ જેવી ખાનગી કંપનીઓને પણ એડવાઈઝરી મોકલવામાં આવી છે. આ કંપનીઓને સિક્યોરિટી લેવલ-1નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંદર સાથે જોડાયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ચેતવણી આપી છે કે, કોઈ પણ સંદિગ્ધ જાણકારી મળવા પર પ્રશાસનને તાત્કાલિક જાણ કરે.
આ ગુપ્ત માહિતી બાદ કોસ્ટ ગાર્ડ, પોર્ટ ઓથોરિટી, કસ્ટમ, કોસ્ટલ પોલિસ અને નેવીને સમગ્ર કાંઠા વિસ્તારમાં એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. આવી જ એડવાઈઝરી દીનદયાલ પોર્ટ અને કંડલા પોર્ટના અધિકારીઓને પણ મોકલવામાં આવી છે. અને તમામ પોર્ટની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ઈનપુટના પાંચ દિવસ પહેલા જ ક્રીક એરિયામાંથી બે પાકિસ્તાની બોટ પકડાઈ હતી. એ સમયે એવા પણ અહેવાલ હતાં કે, બોટના માણસો બોટ મૂકીને ભાગી ગયાં છે. જોકે, બોટના માણસો ભાગીને કઈ દિશામાં એટલે કે, પાકિસ્તાનમાં કે ભારત તરફ ભાગ્યા હતાં તે જાણી શકાયું નથી. ડીજીપી તરફથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.