દર 25મી સેકંડે દર્દી માટે દોડતી 108ની આજે 12મી વર્ષગાંઠ, કદરદાનીના છે કારણો

ગાંધીનગર-ક્યાંય પણ કોઇને પણ તબીબી મદદની જરુરત પડતાં જ લોકોના મોઢે તરત 108 ફોન કરી બોલાવો..એવો શબ્દ જરુર સાંભળવા મળે છે. એવી આ અનોખી સેવાને આજે 12 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે આ અવસરે 108 સેવાને બિરદાવતી હકીકતો જાણીએ…

૨૯ ઓગસ્ટ, ૨૦૦૭થી ૧૦૮નો પ્રારંભ થયો ત્યારે ગુજરાત દેશમાં આવી સેવા શરૂ કરનાર બીજું રાજ્ય હતું. માત્ર પ3 એમ્બ્યુલન્સથી શરૂ થયેલી સેવામાં આજે પ૮૯ એમ્બ્યુલન્સ (૨ બોટ એમ્બ્યુલન્સ સાથે) સેવાઓ કાર્યરત છે. સાથે સાથે ‘‘ખિલખિલાટ’’ સેવાથી પણ પ્રસૂતા માતાઓને સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં કાર્યરત કુલ ૫૮૯ એમ્બ્યુલન્સો સાથે વધારાની નવી ૩૨૪ એમ્બ્યુલન્સો મળતાં જૂની એમ્બ્યુલન્સો બદલવા સાથે કુલ એમ્બ્યુલન્સોની સંખ્યા ૬૫૦ સુધી કરાશે.

૧૦૮ સેવાના અસરકારક અમલીકરણ માટે રાજય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજજ ૧૫ એકર જેટલા વિશાળ વિસ્તારમાં કાયમી સુદ્રઢ વ્યવસ્થાના ભાગરૂપે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નરોડા, અમદાવાદ ખાતે કાર્યરત કરવામા આવ્યું છે. જેના દ્વારા સતત મોનીટરીંગ થાય છે.

108 સેવાની ઝળકતી સિદ્ધિઓ

દરરોજ સરેરાશ ૩૩૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડે છે.૯૫% જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, દર ૨૫ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના થાય છે.

૧૧ વર્ષ ૧૧ મહિનાના સમયગાળામાં ૧ કરોડ કરતાં વધુ લોકોને કટોકટીના સમયમાં સેવા, ૧.૪ લાખથી વધુ પોલીસ અને ૫.૪ હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે.

ગર્ભાવસ્થા સંબંધિત કેસોમાં ૩૫,૫૯,૬૪૫, માર્ગ અકસ્માત કેસોમાં ૧૩,૪૧,૪૭૦, હૃદય રોગ સંબંધિત કેસમાં ૪,૮૬,૭૩૬, શ્વાસને લગતા ૫,૦૪,૮૧૦ કેસોમાં સારવાર પુરી પાડવામાં આવી છે.

૩૦ કરોડથી વધારે કિલોમીટરનું સંચાલન કરીને રોજના સરેરાશ ૯,૭૦૦ કરતાં વધારે કૉલ ને પ્રતિસાદ આપવામાં આવે છે. ૮.૫ લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલ મહામૂલી માનવ જિંદગીઓને બચાવી છે.

પ્રતિ કલાકે ૧૩ મહામુલી માનવ જીંદગી બચાવવામાં આવે છે. ૧૦૮ એમ્બુલન્સ સ્ટાફ દ્વારા ૯૪ હજારથી વધુ પ્રસૂતિઓમાં મદદ. ૧૦૮ એમ્બુલન્સ શહેરી વિસ્તારમાં સરેરાશ ૧૪ મિનીટ ૪૫ સેકંડ અને ગ્રામ્ય વિસ્તારમાં શરેરાશ ૨૩ મિનીટ ૫૧ સેકંડમાં દર્દી સુધી પહોંચે છે.

ગુજરાત ૧૦૮ સેવાના અત્યાધુનિક ૨૪ કલાક કાર્યરત ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની કુલ ૩૩,૦૦૦ કરતાં પણ વધારે દેશવિદેશના લોકોએ રૂબરૂ મુલાકાત લઇને ૧૦૮ની આ સેવાથી પ્રભાવિત થયાં છે.

દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે પણ મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળે તે માટે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત કરી છે જે પોરબંદર અને બેટદ્વારકા ખાતે ઉપલબ્ધ છે. આ સેવા દ્વારા કુલ ૧૧૪ જેટલા લોકોને કટોકટીની પળોમાં સેવાનો લાભ મળેલ છે.

બોટમાં ૧ કેપ્ટન, ૩ સહાયક કર્મચારીઓ અને તાલીમબધ્ધ ૧ ઇમરજન્સી મેડીકલ ટેક્નિશિયન સહિત પ સભ્યોની ટીમ ર૪ કલાક કાર્યરત રહેશે. નવજાત શિશુને સારી આરોગ્ય સેવા મળે અને બાળ મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર દ્વારા ૨૮ નવી નિયોનેટલ એમ્બ્યુલન્સ મંજૂર કરાઇ છે અને જે ટૂંક સમયમાં કાર્યાન્વિત કરાશે.

 

108ની ઝડપી સેવા માટે ‘૧૦૮ ગુજરાત’ નામની અધ્યતન મોબાઈલ એપ્લીકેશન કાર્યરત કરાઇ છે જેના દ્વારા નાગરિકો આંગળીના ટેરવે આ સેવાનો લાભ લઇ રહ્યા છે. આ એપ્લીકેશન દ્વારા સિટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ (ડ્રાઇવર) મોડયુલ, ઇમરજન્સી મેડીકલ ટેક્નિશીયન મોડ્યુલ અને હોસ્પિટલ મોડ્યુલ પણ કાર્યરત છે. ૨૨મી ઓગસ્ટ, ૨૦૧૯ સુધીમાં ૧૦૮ મોબાઈલ એપ્લિકેશનનું સિટીજન મોડ્યુલને ૧.૪ લાખ કરતાં પણ વધુ નાગરિકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]