અમદાવાદ: ગુજરાતમાં શક્તિની ભક્તિ કરતાં સ્થાનકો હંમેશા આસ્થાનું કેન્દ્ર રહ્યાં છે. તેવું સ્થાનક છે ગાંધીનગર
જિલ્લાનું રુપાલ સ્થિત વરદાયિની માનું મંદિર. રુપાલના મંદિરની પલ્લીનો મહોત્સવ ખૂબ જાણીતો છે જેમાં ભક્તોની અનેરી આસ્થા અને ઉત્સાહના દર્શન થાય છે. રુપાલમાં આસોની નવરાત્રિના નોમના દિવસે આખા ગામમાં માતા વરદાયિનીની પલ્લી નીકળે છે. તો આવો આપણે પણ રૂપાલ ગામે જઈને મા વરદાયિની માના ચરણોમાં શીશ નમાવીએ.
માતાજીની પલ્લીનો પ્રારંભ મહાભારત કાળમાં પાંડવોએ કર્યો હતો. તો આવો જાણીએ રુપાલ ગામે નીકળતી વરદાયિની માતાની પલ્લીના મહાત્મ્ય વિશે.
ગાંધીનગર જિલ્લાના રુપાલ ગામે માતા વરદાયિનીનું દિવ્ય મંદિર આવેલું છે. અહીં આસો માસની નવરાત્રીના નોમના દિવસે માતાજીની પલ્લી નીકળે છે. માની પલ્લી એટલે માનો રથ જેની ઉપર પાંચ પાંડવોના પ્રતીક સમી પાંચ જયોત ઝળહળે છે અને તે રથમાં મા સ્વયં બિરાજમાન હોય છે. માતાજીની પલ્લી રથ માટે ગામમાં વસતા અઢારે આલમના લોકો સેવા આપે છે અને સૌ પોતપોતાની સેવા સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરે છે. માની પલ્લી તૈયાર થયા બાદ તેનું પૂજન અર્ચન કરીને મઘ્યરાત્રિએ ગામના લોકો પલ્લીરથનું પ્રયાણ કરાવે છે. વાજતે-ગાજતે પલ્લી ગામનાં ૨૭ ચોક-ચોકારી પસાર કરે છે ત્યારે માર્ગમાં હૈયે હૈયું દળાય તેટલી ઠેર-ઠેર જનમેદની પલ્લીરથનાં દર્શન કરે છે.
અહીંયા હજારો મણ શુદ્ધ ઘીનો પલ્લીરથ પર અભિષેક કરાય છે. અને રથ પસાર થઇ ગયા પછી રસ્તા ઉપર ઘીની વહેતી નદીઓ વહેતી હોય છે. વરદાયિનીનો વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. રાક્ષસોનો સંહાર કરવા શક્તિનું વરદાન મેળવવા વરદાયિનીની આરાધના કરી ભગવાન વિષ્ણુએ શસ્ત્રોનું વરદાન મેળવ્યું હતું. ત્રેતાયુગમાં ભગવાન રામે પણ રાવણ અને રાક્ષસોનો સંહાર કરવામાં વરદાયિની પાસેથી વરદાન મેળવી શસ્ત્રો મેળવ્યાં હતાં. ત્યાર બાદ દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી એની રક્ષા માટે વરદાયિનીને પ્રાર્થના કરી હતી.
આ ખીજડાના ઝાડ નીચે માનું સ્થાનક હતું. એ વખતે રૂપાલ અને આજુબાજુના પંથકમાં ગાઢ જંગલ જ હતું. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો પરત પુન: માના સ્થાનકે પાછા ફર્યા હતા અને એમનાં અસ્ત્ર-શસ્ત્ર છુપાવ્યાં હતાં તે પરત મેળવી માના આશીર્વાદ લીધા અને ત્યાં પંચબલિ યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ પલ્લીનો પ્રારંભ મહાભારત કાળથી પાંડવોએ કર્યો હતો. આ પલ્લીયાત્રા પાંડવાકાળથી ચાલી આવે છે. મા વરદાયિનીનો સાક્ષાત્કાર જોઈને માને નમન કરવા લાખો માઈભક્તો નવરાત્રિ દરમિયાન અને પલ્લીના દિવસે ખાસ રૂપાલ આવે છે.