ગાંધીનગરઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિષયક એક દિવસીય કાર્યશાળાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પદ્મશ્રી વિજેતા અને પ્રાકૃતિક ખેતીના હિમાયતી સુભાષ પાલેકર, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાને ગુજરાત પ્રદેશના કિસાનોની ઉન્નતિ માટેનો અભૂતપૂર્વ નિર્ણય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક કૃષિ સાથે ૫૦૦ કિસાનોને જોડવા પ્રયાસ કર્યો અને જોતજોતામાં ૧૦ હજાર કિસાનો આ કૃષિ સાથે જોડાઇ ગયા. હરિયાણામાં ૨૦૦ એકર જમીન અને ૩૦૦ ગાય સાથે રાસાયણિક ખેતી થતી ત્યારે કૃષિ ખર્ચ દર વધતો ગયો અને ઉત્પાદન ઘટ્યું-ફળદ્રુપતા ઘટી તેથી જૈવિક કૃષિ તરફ વળવાનું નક્કી કર્યું. તેમાં પણ ઉત્પાદન વધ્યું નહીં. ત્યારબાદ સુભાષ પાલેકરના સંપર્કમાં આવ્યા બાદ પ્રાકૃતિક ખેતી અપનાવી તેમણે જણાવ્યું હતું કે, અમેરીકન ડૉ. એલ્બર્ટ હાર્વડને વર્ષ ૧૯૩૧માં ભારતમાં આવીને ઓર્ગેનિક-જૈવિક ખેતીનો પ્રચાર કર્યો હતો જે ભારતની મૂળ પદ્ધતિ નથી. જૈવિક ખેતીમાં એક એકર જમીનમાં ૬૦ કિલો નાઇટ્રોજન જોઇએ. એક એકરમાં ૩૦૦ ક્વિન્ટલ છાણીયું ખાતર જોઇએ. એ માટે ૧૫ જેટલાં પશુધન જોઇએ અથવા ૧૫૦ ક્વિન્ટલ વર્મી કમ્પોષ્ટ જોઇએ. આ બધુ અશક્ય છે. આટલું પશુધન પણ નથી. આટલા છાણિયા ખાતરથી મિથેન-અન્ય ગેસનું પ્રદષણ થાય છે. ઓર્ગેનિક અર્થાત જૈવિક ખેતીમાં ત્રણ વર્ષ સુધી ઉત્પાદન ઘટે છે કૃષિ ખર્ચ વધે છે. પાંચ વર્ષ સુધી ઓર્ગનિક ખેતી કરી પણ સંતાોષ નથયો. આજે જૈવિક-ઓર્ગેનિકના નામે કેટલાંય ધંધા થાય છે. બધી જ પદ્ધતિમાં ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા જાય છે. ખેડૂતોની લૂંટ ચાલતી રહી. ગામના પૈસા ગામમાં, શહેરના પૈસા પણ ગામમાં આવે તેવો રસ્તો જોઇએ. આ રસ્તો સુભાષ પાલેકરે પ્રાકૃતિક કૃષિ દ્વારા આપ્યો છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ-પ્રસાર રાજ્યમાં વધારવાની દિશામાં રાજ્ય સરકાર આયોજનબધ્ધ આગળ વધશે તેવો વિશ્વાસ આપ્યો હતો. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતે વિકાસના બહુધા ક્ષેત્રોમાં લીડ લીધી છે. કૃષિ ક્ષેત્રે પણ ડબલ ડિઝીટ ગ્રોથ સાથે અગ્રેસર છે. હવે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે પ્રકૃતિની સાથે રહીને વિકાસ કરવાની દિશા અપનાવી છે. વિજયભાઇ રૂપાણીએ પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત આ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાના ગુજરાતમાં આયોજનને રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ ગણાવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક ખેતી દ્વારા જગતના તાતને વાસ્તવમાં જગતનો તાત બનાવવામાં આ કાર્યશાળા માર્ગદર્શક બનશે.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાને આવકારતાં કહ્યું કે, નવી કૃષિ ક્રાંતિ તરફ રાજ્યના ખેડૂતો આગળ વધી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહીત થયા છે તો ચોક્કસ આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને રાહ ચીંધશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલશ્રી દ્વારા ખેડૂતોની ચિંતા કરીને તેમના કાર્યનો શુભારંભ ખેડૂત કલ્યાણની કામગીરીથી કર્યો છે તે માટે સરકાર વતી રાજ્યપાલનો આભાર માનતાં કહ્યું કે, ખેડૂતોના હિતને વરેલી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આ સરકારે અનેકવિધ પ્રયાસો ખેડૂતોની આવક વધારવા માટે કર્યા છે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પણ સરકાર ચોક્કસ પ્રયાસ કરશે.
પદ્મશ્રી વિજેતા અને પ્રાકૃતિક ખેતીના હિમાયતી સુભાષ પાલેકરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર કટિબદ્ધ બન્યુ હોય એ આજે પહેલો અવસર છે. આ માટે ગુજરાત સરકારનો હ્રદયપૂર્વક આભાર માનું છું. પાલેકરે જણાવ્યું હતું કે, આઝાદી પછીની તત્કાલિન સરકારે હરિત ક્રાન્તિને સ્વીકારી તેની પાછળનો ધ્યેય ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબન થવાનો હતો. જો કે કમનશીબે ખાદ્યાન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબનનો ધ્યેય કમનશીબે સાકાર નથી થઇ શક્યો. આપણે પ્રતિવર્ષ લાખો ટન ખાદ્યતેલ આયાત કરવું પડે છે. ભારતની વસતી આજે ૧૩૦ કરોડ છે અને વર્ષ ૨૦૩૦માં આંકડો ૧૫૦ કરોડ ઉપર પહોંચશે. અત્યારે ૨૬ કરોડ મે.ટન ખાદ્યાન્ન પેદા કરવું પડે છે તે વધારીને ૪૦ કરોડ મે.ટન કરવું પડશે. દેશમાં ૩૫ કરોડ એકર જમીન છે ત્યારે રાસાયણીક ખાતરથી ઉત્પાદન વધારી શકવું અશક્ય છે ત્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે એમ તેમણે ઉમેર્યું હતું.