રાજ્યમાં ઉંદરીયા તાવે દેખા દીધી, મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ…

વડોદરાઃ રાજ્યમાં અત્યારે કોંગો ફિવરે માથું ઉચક્યું છે. અનેક લોકો કોંગો ફિવરના ભરડામાં આવી ગયા છે. ત્યારે કોંગો ફિવરનું સંકટ હજી તો ટળ્યું નથી ત્યાં જ વડોદરાથી ઉંદરીયા તાવે દેખા દીધી છે. વડોદરામાં ઉંદરીયા તાવનો એક કિસ્સો સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલી એક મહિલાનો લેપ્ટોસ્પાઈરોસિસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉંદરીયા તાવનો આ રિપોર્ટ પોઝિટિવ આવતા, આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતી 36 વર્ષીય ચંદ્રિકા લોહાણાને તાવ આવવાથી 20 દિવસ પહેલાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જો કે તેઓની તબિયત વધારે લથડતાં તેમનો બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. બ્લડ રિપોર્ટમાં મહિલાને લેપ્ટોસ્પાઈરોસિસ પોઝિટિવ આવ્યો હતો. જો કે ડોક્ટરોએ કહ્યું છે કે, મહિલાનો જીવ જોખમમાં નથી અને તેમની સારવાર ચાલી રહી છે.

લક્ષણો

ઠંડી સાથે તાવ આવવો, સ્નાયુઓ દુખાવા, સખત માથું દુખવું, ઊલટી, કમળો, પેટમાં દુખાવો, ઝાડા અને ચામડી ઉપર લાલ ચકામા જોવા મળે છે.

કેવી રીતે આ તાવ…

ઉંદરીયો તાવ એ લેપ્ટોસ્પાઈરોસિસ લેપ્ટોસ્પાયરા નામના બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. આ રોગ પ્રાણીઓમાંથી મનુષ્યના શરીરમાં ફેલાય છે. પાલતું પ્રાણીઓ જેવાં કે બિલાડી, ગાય, કૂતરો, ઘોડો વગેરે પ્રાણીઓ દ્વારા આ રોગ મનુષ્યમાં ફેલાઇ શકે છે. ચોમાસામાં પાણી ભરાઈ જવાને કારણે જ્યારે કોઈ વ્યક્તિને પગમાં ઈજા હોય કે, વાઢિયા પડ્યા હોય તો એ દુષિત પાણી ઘાના સંપર્કમાં આવવાના કારણે આ બેક્ટેરિયા મનુષ્યનાં લોહી મારફતે શરીરમાં પ્રવેશે છે.

આ ઉપરાંત ઉંદરને કારણે પણ આ બેક્ટેરિયા મનુષ્યમાં ફેલાય છે. ઘરમાં ઉંદરનું યુરિન ખાદ્યપદાર્થમાં ભળે તો પણ આ રોગ થઈ શકે છે. બાળકનાં રમકડાં પણ ઉંદરે યુરિન કર્યું હોય અને તે રમકડું બાળક મોઢામાં નાખે તો પણ તેને ઉંદરીયા તાવ થઈ શકે છે. એટલું જ નહીં, પણ જમીનમાં ઉંદરનું યુરિન ભળ્યું હોય તેમાં ઉગાડેલી શાકભાજી ખાવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે.