SGCCIના પ્રાંગણમાં 100 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ ફરક્યો

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. 15 મે, 2025ના રોજ સવારે 09:30 કલાકે સંહતિ, સરસાણા ખાતે રાષ્ટ્રધ્વજ સ્થાપના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રાંગણમાં 100 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજની સ્થાપના કરાઇ હતી. સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીના હસ્તે આ વિશાળ રાષ્ટ્રધ્વજનું અનાવરણ કરી તેને ફરકાવવામાં આવ્યો હતો.

ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, જમ્મુ–કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કરીને નિર્દોષ નાગરિકોનો ભોગ લઇ દિકરીઓના માથાનું સિદૂર ભુસી નાખ્યુ હતુ. ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ આતંકવાદને કોઇપણ સંજોગોમાં સાંખી લેશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સેનાએ ઓપરેશન સિદૂર અંતર્ગત પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક દ્વારા આતંકવાદીઓના અડ્ડાઓ ઉડાવી 100થી પણ વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો.

ભારતે, આખા વિશ્વને વીરતાનો પરિચય આપી પાકિસ્તાનમા આતંકના મૂળ પર પ્રહાર કર્યો છે. આ ઘટનાની પાછળ ફક્ત સૈન્ય શક્તિ જ નહીં, પણ એક રાષ્ટ્ર તરીકે આપણી એકતા, આપણી સંકલ્પશક્તિ અને દેશપ્રેમ છે. આ જ ભાવનાને કાયમ રાખવા માટે ચેમ્બરના પ્રાંગણમાં વિશાળ રાષ્ટ્રધ્વજની માનભેર સ્થાપના કરાઇ છે.

સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા પ્રાગણમાં વિશાળ રાષ્ટ્રધ્વજની સ્થાપના એ ખૂબ જ સરાહનીય છે. આ વિશાળ રાષ્ટ્રધ્વજને દરરોજ ફરકતો જોઇને રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના કાયમી હૃદયમાં વસેલી રહેશે અને એના માટે સતત ગૌરવની અનુભુતિ થશે.

(અરવિંદ ગોંડલિયા, સુરત)