અમદાવાદઃ નરોડાની મહિલાને લાતો મારવાના કેસમાં આખરે સમાધાન થઈ ગયું છે. રવિવારે ભાજપના નરોડાના ધારાસભ્યે પોતાની ઓફિસ ખાતે પાણી માટે રજૂઆત કરવામાં આવેલી મહિલાને લાતો મારી હતી. આ મામલે તેમની સામે ફરિયાદ પણ દાખલ થઈ છે. આ મામલો અનેક વળાંકોમાંથી ગુજર્યો હતો. સવારે મીડિયા સાથે વાતચીત કરતા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ નફ્ફટ થઈને કહ્યું હતું કે તેઓ માફી નહીં માગે. જોકે, આ દરમિયાન બીજેપીના નેતૃત્વ તરફથી તેમને ફોન કરીને ઠપકો અપાતાં કૂણાં પડ્યાં અને માફી માંગવા તૈયાર થયાં હતાં. તેઓ માફી માંગવા માટે છેક પીડિત મહિલાના ઘેર દોડી ગયા હતા અને પીડિતાની પોતાની નાની બહેન ગણાવી તેની પાસે રાખડી પણ બંધાવી દીધી હતી.
મીડિયાને પ્રતિક્રિયા આપતાં નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીએ કહ્યું કે, વીડિયો વાઈરલ થતાં મને મારી ભૂલનું ભાન થયું હતું. આ ઘટના મામલે મને દુઃખ છે. મારાથી જોશમાં ભૂલ થઈ ગઈ છે. હું પીડિત મહિલા પાસે માફી માગુ છું. હું પીડિત મહિલાની ખબર પૂછવા માટે હોસ્પિટલમાં જઈશ. આ ઉપરાંત થવાણીએ કહ્યું હતું કે, આ સમગ્ર ઘટના પ્રિપ્લાન હતી. મહિલા સાથે અન્ય 20 મહિલાઓનું ટોળું હતું. તેઓ પાણીની સમસ્યા લઈને આવ્યાં હતાં. આ મામલો કોર્પોરેશનનો હતો. તેમ છતાં મેં અડધો કલાક સુધી તેમની વાત સાંભળી હતી. બાદમાં તે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. અને આ વખતે જોશમાં આવીને મારાથી ભૂલ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ મેઘાણીનગર બંગલા એરિયામાં ધારાસભ્ય કાર્યાલય પર પાણીના મુદ્દે નીતુ તેજવાણી નામના મહિલા રજૂઆત કરવા માટે પહોંચ્યાં હતાં. જ્યાં રજૂઆત સાંભળવાનું દૂર રહ્યું પણ બલરામ થાવાણીએ પિત્તો ગુમાવ્યો હતો અને તેમણે અને સાગરિતોએ નીતુને જમીન ઉપર પટકી દઈને બેફામ માર માર્યા બાદ લાતો પણ ફટકારી હતી. પણ 17 કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામાનો એકદમ નાટકીય વળાંક આવ્યો હતો.
થવાણીના લાતકાંડ મામલે ગુજરાત ભાજપે પણ તેમને માફી માગવાનું કહ્યું હતું. તો રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલે રિપોર્ટ માગ્યો હતો. 17 કલાક સુધી ચાલેલાં આ ડ્રામા બાદ બલરામ પોતે મહિલાના ઘરે જઈને રાખડી બંધાવી.
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા એ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું, કે આ ઘટના શરમજનક છે, નિંદનીય છે, ભાજપ આને સખત શબ્દોમાં વખોડી કાઢે છે, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને ગઈકાલે આ મામલે માહિતી મળતા, તેમને ધારાસભ્યને ફોન કરીને તાકીદે ખુલાસો માંગ્યો હતો, ઠપકો આપ્યો હતો, અને માફી માંગવા પણ જણાવ્યું છે. ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની હિંસા ક્યારેય ન થવી જોઈએ, લોક પ્રતિનિધિ તરીકે પ્રજા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, એટલે આ પ્રકારના દુર્વ્યવહાર ચલાવી ન લેવાય અને એટલા માટે જ પાર્ટીએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે.
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું, ભાન ભૂલેલા શાસક અધિકારીઓ દ્વારા સામાન્ય માણસના પ્રશ્નો ઉકેલવાના બદલે, એક ધારાસભ્ય દ્વારા ગુજરાતની દીકરીને માર મારવામાં આવ્યો તેનાથી સમગ્ર ગુજરાતનું મસ્તક ઝૂક્યું છે. ભાજપનું નેતૃત્વ આ ઘટનાને ગંભીરતાથી લે, જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે.