અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લોકસભા-2019ની ચૂંટણી લડેલો ભાજપ પક્ષે જંગી બહુમતી મેળવી છે. સર્વત્ર લોકચાહના મેળવનાર નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતાં ત્યારે પણ તેમના ફેન્સની સંખ્યા ખૂબ મોટી હતી. સામાન્ય રીતે રમતગમત, એક્ટર્સ, વિવિધ ક્ષેત્રના કલાકારોની ફેન ક્લબ્સ વધારે જોવા મળે છે. પણ અહીંયા એક રાજકીય પક્ષના નેતા માટે ફેન ક્લબ હોવી એક અનોખી બાબત કહી શકાય.
મુખ્યપ્રધાન તરીકે પણ નરેન્દ્ર મોદી લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. ગુજરાત રાજ્યમાં મુખ્યપ્રધાન તરીકે શાસન કરનાર નરેન્દ્ર મોદી સતત બીજી વાર વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. એમની શપથ વિધીના દિવસે જ અમદાવાદમાં નરેન્દ્ર મોદી ફેન ક્લબ દ્વારા સમાજના વંચિત-ગરીબ-જરુરિયાત મંદ બાળકો માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેની તૈયાર કરેલી કેક સાથે ઉજવણી થઇ. અમદાવાદ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારની નજીક આવેલા સેવિયર હોસ્પિટલ પાસે ભેગા થયેલા બાળકોને ગ્રીષ્મા આત્રિષ ત્રિવેદી તેમજ અન્ય નરેન્દ્ર મોદી ફેન્સ દ્વારા ફૂટ પેક્ટસ વહેંચવામાં આવ્યા.
(અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)