નટુ પટેલ પાસેથી 6.78 કરોડ વસૂલવા આદેશ, નાણાકીય ગેરરીતિનો મામલો

ગાંધીનગર– ગુજરાત કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)માં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૬ના સમયગાળામાં થયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ મામલે રાજ્ય સરકારે જૂન ૨૦૧૭થી ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન સામે વસૂલાતની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યના સહકારી મંડળના રજિસ્ટ્રારની યાદીમાં જણાવ્યા મુજબ ગુજકોમાસોલ અમદાવાદના પૂર્વ ચેરમેન નટવરલાલ પિતાંબરદાસ પટેલ દ્વારા વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ના સમયગાળામાં રૂ.૬,૭૮,૨૪,૩૩૧ની કથિત નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. જે સંદર્ભે સરકાર દ્વારા તે અંગે સહકારી કાયદાની વિવિધ જોગવાઇઓ  અન્વયે વસૂલાતની કાર્યવાહી આરંભ કરવામાં આવેલ છે. જેમાં ૭૯ જેટલા કર્મચારીઓની ગેરકાયદે રીતે રૂ.૮ થી ૧૫ લાખ લઇને ભરતીની બાબત, નવરંગપુરાના મકાનની ખરીદીમાં પોતાના મળતિયાને વચેટીયા તરીકે ઉભા કરીને મૂળ માલિક સારસ્વત બેંક પાસેથી રૂ.૧૬.૩૫ કરોડનું મકાન વચેટીયા પાસેથી રૂ.૨૦.૫૦ કરોડમાં ખરીદીને સંસ્થાને કરાવેલ રૂ.૪.૧૫ કરોડના નુકસાનની બાબતનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મગ અને તુવેરની ખરીદીમાં નાણાકીય ગેરરીતિ, એક જ કંપની કુસુમ એન્ટરપ્રાઇઝ પાસેથી બધો માલ ખરીદીને અને ખરીદ કિંમત કરતાં ઓછી કિંમતે વેચીને સંસ્થાને ઠરાવેલ રૂ.૨.૧૩ કરોડનું નુકસાન, ઓફીસમાં હલકી કક્ષાનું ફર્નિચર વધુ કિંમતે બતાવીને સંસ્થાને કરાવેલું નુકસાન અને વકીલોને લીગલ ફી પેટે રૂ.૫૦.૪૦ લાખ જેટલી રકમ બોર્ડમાં ઠરાવ કર્યા વગર ચૂકવીને ગુજકોમાસોલને અંદાજે કુલ રૂ.૬,૭૮,૨૪,૩૩૧નું નુકસાન કરાવી તેમણે અંગત લાભ સારૂ નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવેલ છે.રાજ્ય સરકાર દ્વારા ગુજકોમાસોલના તે સમયનાં પૂર્વ ચેરમેન નટવરલાલ પીતાંબરદાસ પટેલ સામે સહકારી કાયદા હેઠળ કાનૂની પ્રક્રિયા કરી વસૂલાતની કાર્યવાહી ૨૧/૦૬/૨૦૧૭ તથા તા.૧૩/૦૭/૨૦૧૭ના ગુજકોમાસોલના કસ્ટોડિયનની ભલામણના આધારે જૂન ૨૦૧૭ના વર્ષથી એટલે કે છેલ્લા બે વર્ષથી હાથ ધરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]