સૂરતઃ ગુજરાતના ખૂબ જ ચર્ચિત નારાયણ સાઇ બળાત્કાર કાંડમાં સૂરત ખાતેની સેશન્સ કોર્ટે આજે નારાયણ સાંઈને દોષિત ઠેરવ્યો છે. આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા કોર્ટ આજે તેને દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં કોર્ટ 30મી એપ્રિલે સજાનું એલાન કરશે.
વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી છે. ત્યારે આજે કોર્ટે આ મામલે નારાયણ સાંઈને દોષિત ઠેરવ્યો છે અને આગામી 30 એપ્રિલના રોજ નારાયણ સાંઈને સજા સંભળાવવામાં આવશે.
વર્ષ 2002થી 2004 દરમિયાન સાધિકા બહેનો સાથે નારાયણ સાંઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે નાસતા ફરતાં નારાયણ સાંઈને પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો હતો. બાદમાં 13 કરોડની લાંચનો કેસ સહિત સાક્ષીઓ પર હુમલાના કેસ નોંધાયા હતાં.
કોર્ટ કાર્યવાહી દરમિયાન નારાયણ સાંઈ સહિત અન્ય આરોપીઓ ગંગા, જમુના, હનુમાન સહિતના લોકો પણ હાજર રહ્યા હતા. સાધિકા ગંગાને કસ્ટડીમાં લેવામાં આવી છે. ત્યારે નારાયણ સાંઈ આ મામલે દોષિત ઠરતા તે સ્તબ્ધ બની ગયો હતો અને તેના અનુયાયીઓમાં પણ નિરાશા જોવા મળી હતી. તો કોર્ટે આ મામલે અજય દિવાન, નેહા દિવાન, અને મોનીકા અગ્રવાલને નિર્દોષ જાહેર કર્યા છે. નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાં ખસેડવામાં આવશે.