સાવધાન! ટ્રાફિકના નિયમ ભંગ બદલ આકરા દંડની વસુલાત શરુ

અમદાવાદઃ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાના અને જો કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તો, તેની પાસેથી આકરો દંડ વસુલવાના પ્રયાસોની શરુઆત થઇ ચૂકી છે. વાહનચાલકો, પેસેન્જર તેમજ માર્ગ પર પસાર થતા લોકો અકસ્માતનો ભોગના બને એ હેતુ દર્શાવી સરકારે કાયદા અને નિયમોનો કડક અમલ કરવાના પ્રયાસ શરુ કરી દીધા છે. 16મી સપ્ટેમ્બર, સોમવારથી લાગુ પાડેલા કાયદા-નિયમોને અમલમાં મુકતાની સાથે જ અનેક વાહન ચાલકો પાસેથી દંડની રકમની વસુલાત શરુ કરી દેવાઇ છે.

વાહન ચાલકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સૌની સગવડતા માટે તંત્ર દ્વારા એચએસઆરપી નંબર પ્લેટ તેમજ પીયુસી માટેનો સમય લંબાવવામાં આવ્યો છે. પરંતુ..ત્રણ સવારી, રોગ સાઇડ વાહન ચલાવવું, અડચણરુપ વાહન પાર્ક કરવું , સીટબેલ્ટ ન બાંધવો, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ , કાચ પર ડાર્ક ફિલ્મ લગાડવી, તેમજ હેલ્મેટ વગરના વાહન ચાલકો પાસેથી નવા નિયમ મુજબ આકરો દંડ વસુલાઇ રહ્યો છે.ટ્રાફિક પોલીસ, પોલીસના જવાનો, હોમગાર્ડ્સ, ટીઆરબીની નવી ટીમો અને એનસીસીના કેડેટ્સ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિકનું ચુસ્ત નિયમન થાય તે માટેની વ્યવસ્થા સંભાળવામાં આવી છે. નવા કાયદા-નિયમની સાથે જ અમદાવાદ શહેરના માર્ગો પર ટ્રાફિક પોલીસની ટુકડીઓ દંડની વસુલાત કરતી જોવા મળી હતી. શહેરના માર્ગો પર હેલ્મેટ પહેરેલા વાહન ચાલકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. ગુજરાતના કેટલાક શહેરમાં ટ્રાફિક-આરટીઓના નવા વસુલાઇ રહેલા દંડનો ઉગ્ર વિરોધ કરાઇ રહ્યો છે. 16મી તારીખ થી જ રાજકોટ સહિતના કેટલાક શહેરમાં નવા આકરા દંડ નિયમો નો જુદા જુદા સંગઠનો દ્વારા વિરોધ કરવાની શરુઆત થઇ ચૂકી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)