1 લી ઓક્ટોબરથી નોન જ્યુડિશિયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપર આઉટ, ઇ-સ્ટેમ્પીંગ ઇન

ગાંધીનગર- રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણય પ્રમાણે, આગામી પહેલી ઓક્ટોબરથી રાજ્યમાં નોન જ્યૂડિશિયલ સ્ટેમ્પ પેપર બંધ કરવામાં આવશે.

મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે આજે આ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે, નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કીમત વસૂલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિજિટલ સ્ટેમ્પિંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કરી ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગની પદ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યો છે.

પટેલે ઉમેર્યુ કે, નાગરિકોને ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી ફીઝીકલ સ્ટેમ્પ સેવા બંધ થતા સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાં કોઇ તકલીફ ના પડે તે માટે ઇ-સ્ટેમ્પીંગની સુવિધાથી હવેથી શિડયુલ બેંકો, કેંદ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો, પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેના સી & એફ એજન્ટ, ઇ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર,RBI રજીસ્ટર્ડ નોન બેંકીગ ફાઇનાન્સીયલ કંપનીઅને લાયસન્સી નોટરી પૈકી જે વ્યક્તિઓ/સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનની કચેરી ખાતે રજિસ્ટ્રેશન માટે અરજી કરી શકશે. સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ દ્વારા આ વ્યક્તિઓ/સંસ્થાઓને ઈ-સ્ટેમ્પીંગના ACC (ઓથોરાઈઝ્ડ કલેકશન સેન્ટર) તરીકેની નિમણૂકની પરવાનગી આપ્યા બાદ આ સેન્ટરો ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકશે.

ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગના ફાયદા જણાવતાં તેમણે ઉમેર્યુ કે, નાગરિકોને જ્યારે સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી કરવાની હોય ત્યારે ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગના ઓથોરાઈઝડ કેન્દ્રો ઉપરથી જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિજિટલ ઈ-સ્ટેમ્પ સર્ટિફિકેટ મેળવી શકશે. જેમાં પક્ષકારોના નામ ઉપરાંત દસ્તાવેજની વિગત તથા દસ્તાવેજની રકમ જેવી વિગતો પણ દર્શાવવામાં આવશે.ડિજિટલ ઈ-સ્ટેમ્પ સર્ટિફિકેટ ધારણ કરનાર વ્યક્તિ દ્વારા સર્ટિફિકેટની ઓન લાઈન તેમ જ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ ખરાઈ કરી શકાશે. જેથી, સ્ટેમ્પ સર્ટિફિકેટની છેતરપિંડી કે ડુપ્લિકેશનનો કોઈ અવકાશ રહેશે નહીં.

ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગ પદ્ધતિ અમલમાં આવવાથી આ પદ્ધતિ હેઠળ સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી કરતા એક યુનિક સર્ટિફિકેટ નંબર જનરેટ થશે જેની ખરાઈ દસ્તાવેજ નોંધણી સમયે સબરજિસ્ટ્રાર કચેરી દ્વારા કરવામાં આવશે. જેથી, દસ્તાવેજની નોંધણી પણ સુરક્ષિત બનશે. આ ઉપરાંત, આ રેકર્ડની ઉપલબ્ધિ ઓન લાઈન હોવાથી તે કોઈ પણ સમયે ચકાસી શકાશે, તેનો પુરાવો પણ મેળવી શકાશે. વધુમાં, ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગ પધ્ધતિમાં ફિઝીકલ સ્ટેમ્પીંગ પદ્ધતિની જેમ એડવાન્સમાં કોરા સ્ટેમ્પ પેપર ખરીદવાની જરૂરીયાતમાંથી મુક્તિ મળતા નાગરિકોને રીફંડના પ્રશ્નો પણ ઉદભવશે નહીં. ઉપરાંત, જરૂરીયાત મુજબ કોઈપણ રકમની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવાની સુવિધા મળશે.

સરકારની ઈ-પેમેન્ટ સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે જેની વિગતો આપતા મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ કે, નાગરિકોને સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી કરવા રોકડ ઉપરાંત, RTGS, નેટ બેકીંગ, ઓન લાઈન પેમેન્ટ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે. આ સેવાનો વ્યાપ વધતા તથા ઓનલાઈન સેવાઓ હોવાથી નાગરિકોને જ્યારે પણ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી હશે ત્યારે સરળતાથી નજીકના ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગના ઓથોરાઈઝડ વેન્ડર પાસેથી અથવા તો બેંકો પાસેથી સેવા ઉપલબ્ધ થશે. રાજ્યમાં બહોળા પ્રમાણમાં ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો શરૂ થવાથી નાગરિકો તેમની નજીકના સ્થળે, કોઇપણ સમયે સ્ટેમ્પ ડ્યૂટી ભરી તેનું સ્ટેમ્પ પેપર જેવું પ્રમાણપત્ર મેળવી પોતાના લેખ સાથે જોડીને લેખની નોંધણી કરાવી શકશે.