અમદાવાદઃ લોકોમાં આરોગ્ય વિશે જાગ્રતતા કેળવવા અને સમાજમાં ગરીબ વર્ગ અને વંચિત લોકોને મદદ કરવા માટે ભંડોળ ઊભું થઈ શકે એ માટે આ રવિવારે- 23 ફેબ્રુઆરી, 2020એ મોટીફ ટીટીઈસી ચેરિટી વોક 2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ વોક આશરે ચાર કિલોમીટરની હશે. તેનો રૂટ પીઆરએલ રોડ, એલડી આર્ટ્સ કોલેજ, આઇઆઇએમએ ફ્લાયઓવર, પાંજરાપોળ પાસપોર્ટ ઓફિસ અને બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ રહેશે.
આ વોક દ્વારા જે ભંડોળ ઊભું થશે એ પસંદગીની લાભાર્થી સ્વૈચ્છિક સંસ્થાઓ માટે એકત્ર કરવામાં આવશે. અત્યાર સુધીમાં મોટીફ-ટીટીઈસી ચેરિટી વોક મારફતે તેની 17 એડિશન દ્વારા 55 સ્વૈચ્છિક સંસ્થાઓમાં રૂ. 7.33 કરોડ એકઠા કરવામાં આવ્યા છે.
ટીટીઈસીના ભારતના વાઇસ પ્રેસિડન્ટ અને જનરલ મેનેજર કૌશલ મહેતાએ કહ્યું હતું કે અમે વાર્ષિક મોટિફ ટીટીઇસી ચેરિટી વોકની 18મી એડિશન રજૂ કરતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ વોકમાં 4000થી વધુ લોકો સામેલ થવાના છે, આ વોકમાં સ્કૂલ બેન્ક ઊંટ ગાડા, ચિયર્સ લીડર્સ, ડ્રમર્સ, ગિટારિસ્ટ અને રેડિયો જોકી સામેલ થવાના છે.
મોટીફ ટીટીઈસી ચેરિટી વોક 2020ની આ 18મી વાર્ષિક ચેરિટી વોકના લાભાર્થી સ્વૈચ્છિક સંસ્થાઓ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારો માટે કામ કરે છે. જેમાં આ વિવિધ સંસ્થાઓ શૈક્ષણિક અને બાળકોના આરોગ્ય, ઘરવિહોણા લોકોનો પુનર્વસવાટ, સ્થાનિક સાહિત્ય અને આરોગ્યલક્ષી જાગૃતિ જેવાં કાર્યો કરે છે. આ ઉપરાંત સંસ્થાઓ ટેક્નિકલ, રમતલક્ષી અને સાંસ્કૃતિક શિક્ષણ પણ પૂરું પાડે છે તેમ જ વિચરતી અને ડી નોટિફાઇડ જાતિઓને નાગરિકતા અધિકારો, આરોગ્ય સુવિધાઓ અને આજીવિકાનો સહયોગ પૂરો પાડે છે.આ દોડમાં સામેલ થનાર પ્રતિ સહભાગી માટે રૂ. 300ની રજિટ્રેશન ફી રાખવામાં આવી છે. ટીટીઈસી રૂ. 10 લાખનું ફંડ એકઠું થાય ત્યાં સુધી સભ્યદીઠ રૂ. 300નો ઉમેરો કરશે. વળી, ટીટીઈસી પણ રૂ. પાંચ લાખનું યોગદાન આપશે અને ટીટીઈસીનું કુલ યોગદાન રૂ. 15 લાખ થશે.