23 ફેબ્રુઆરીથી મોરારિબાપુની રામકથા, ‘કસ્તૂરબા’નું રહેશે વિશેષ સ્થાનમાન

અમદાવાદ- શહેરની ધર્મપ્રેમી જનતા માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે કે અમદાવાદમાં પ્રસિદ્ધ રામકથાકાર મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વસ્ત્રાપુર વિસ્તારને અડીને આવેલા જી.એમ.ડી.સી… મેદાનમાં 23 ફેબ્રુઆરીએ સાંજે 4-30 કલાકે , 24 થી 3 માર્ચ સવારે 9-30 કલાકે મોરારીબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વયં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલી નવજીવન સંસ્થાના ઉપક્રમે અને તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના સહયોગથી આ રામકથા યોજાશે.


મહાત્મા ગાંધીની સત્ય-અહિંસાની વિચારધારા અને જીવન શૈલીને યાદ કરી 150મી જન્મ જયંતીની જુદી જુદી રીતે ઉજવણી કરાઇ રહી છે. મોરારી બાપુનું પણ એક અનોખું સૂત્ર છે..સત્ય, પ્રેમ અને કરુણા. ગાંધી બાપુ અને કસ્તુરબા બંનેેેે અહિંસાના હિમાયતી હતા. કસ્તુરબાએ પ્રેરણા સ્ત્રોત હતા. બાપુ-કસ્તુરબા અને મોરારિબાપુ જેવા મહાન વ્યક્તિત્વના વિચારો, ગાંધીજીની 150મી જન્મ જયંતી ની ઉજવણી વેળાએ યોજાઇ રહેલી રામકથામાં સાંભળવા મળશે.


મોરારિબાપુ આ રામકથામાં ગાંધી વિચારોનો ખાસ ઉલ્લેખ કરશે એમ નવજીવનના વિવેક દેસાઇએ જણાવ્યું હતુ. નવજીવન અને તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના સહયોગથી યોજાનારી મોરારિ બાપુની કથાનો ઉદ્દેશ કસ્તૂરબાની વંદનાનો રહેશે.


રામકથા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પરિસરની તમામ જગ્યાએ સ્વચ્છતાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાથે ભગવાન રામ, ગાંધીજી તેમજ કસ્તૂરબાનું વિરાટ કદ કથાસ્થળે જોવા મળશે. કથાના દિવસો દરમિયાન સાંજે 7-30 કલાકે દીનદયાળ હોલ, સિંધુભવન રોડ ખાતે જાણીતા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ