અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડી પર સર્જાયેલું સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધીને વેલ્માર્ક લો પ્રેસરથી થોડું વધુ સક્રિય બનીને ડિપ્રેશનમાં ફરેવાયું છે. ગુજરાત સહિત મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યાતા છે. ત્યારે પાછલા 24 કલાકમાં ગુજરાકમાં 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો છે. જ્યારે ભરૂચના નેત્રંગમાં 1.61 ઈંચ, અરવલ્લીના ધનસુરામાં 1.57 ઈંચ, નવસારીમાં 1.49 ઈંચ અને મહેસાણામાં 1.41 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો અન્ય 80 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ નોંધોય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 12મી સપ્ટેમ્બરના અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત આવતીકાલ એટલે કે તારીખ 13 અને તારીખ 14ના દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.