અમદાવાદઃ રાજ્યભરમાં મેઘરાજાની મહેર વરસી રહી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીર પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. અમદાવાદમાં કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ છે. દક્ષિણના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. ગીરસોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
આજે સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં એસજી હાઈવે, બોપલ, થલતેજ, ધુમા, સોલા, ચાંદલોડિયા, નરોડા, બાપુનગર, રખિયાલ, પાલડી, નારાણપુરા, આંબાવાડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદ છે. વિરમગામ, માંડલ, નળકાંઠા સહિતના અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આ ઉપરાંત દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. ઉના અને ગીરમાં છેલ્લા 12 કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર 4 ઇંચ વરસાદ નોંધાયો છે. દીવ અને ગીરગઢડામાં બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરગઢડાના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યા છે. અમરેલીના રાજુલા પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. રાજુલાના જૂની માડરડી, કોટડીમાં, જાફરાબાદના લાર, પીછડીમાં વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથમાં બે કલાકમાં 2થી 3 ઇંચ વરસાદ પડ્યો છે. તાલાલા 33 વિસાવદર- 25, વેરાવળ 25, કાલાવડ 17, સુત્રાપાડા 17, વંથલી 14, માળિયા 13, ખાંભા 13, ભેસાણ 12, મેંદરડા 12, કેશોદ 12, કલ્યાણપુર 10, જૂનાગઢ 9, કુતિયાણા 8, ગીર સોમનાથ 8, માણાવદર 7, ભાણવડ 6, પોરબંદર 6, મોરબી 4, લાલપુર 3 અને રાણાવાવમાં 3 એમએમ વરસાદ નોંધાયો છે.
વાયુ વાવાઝોડાને પગલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે વહેલી સવારથી બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ છે. બનાસકાંઠાના પાલનપુર, થરાદ, વાવ, ધાનેરામાં, સાબરકાંઠાના તલોદ, ખેડબ્રહ્મા, હિંમતનગર, પોશીનામાં, પાટણમાં વરસાદ નોંધાયો છે.
તસવીર પ્રજ્ઞેશ વ્યાસ