અમદાવાદ – ભારતમાં સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન માટેની અગ્રગણ્ય મેનેજમેન્ટ સ્કૂલ ગણાતી MICA સંસ્થાએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બે ગામ તેલાવ અને શેલામાં શિક્ષણનાં બે મહત્ત્વના પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત MICA દ્વારા શરૂ કરવામાં આવેલા તેલાવ ટીચિંગ પ્રોજેક્ટ (TTP) અન્વે ઉક્ત બંને ગામની સરકારી શાળાઓનાં બાળકોને ત્રણ મહિના સુધી ગણિત, અંગ્રેજી વિષયો ભણાવવા ઉપરાંત નૃત્ય, સંગીત અને નાટક ભજવતા પણ શીખવશે.
આમ, MICAના ફર્સ્ટ અને સેકન્ડ યરનાં વિદ્યાર્થીઓ માટે ત્રણ મહિના સુધી શિક્ષક તરીકેની ભૂમિકા ભજવશે અને પ્રત્યેક દિવસ એમને માટે ટીચર્સ ડે બની રહેશે.
MICA સંસ્થાના કમ્યુનિટી રેડિયો સ્ટેશન ‘મિકાવાણી’એ હાથ ધરેલા કાર્યક્રમ અનુસાર, તેના 150 જેટલા વિદ્યાર્થીઓ તેલાવની સરકારી શાળાના માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક વિભાગની દરરોજ મુલાકાત લે છે અને બે કલાક માટે ત્યાંના વિદ્યાર્થીઓને ભણાવે છે. 9મા ધોરણનાં વિદ્યાર્થીઓને તેઓ ગણિત અને અંગ્રેજી શીખવે છે.
MICAના વિદ્યાર્થીઓ આ ફરજ નિભાવતી વખતે પોતાનાં અભ્યાસ-શિક્ષણ સાથે જરાય બાંધછોડ કરતાં નથી. તેઓ વહેલી સવારે ગામમાં બાળકોને ભણાવવા પહોંચી જાય છે.
MICAVAANIના જુનિયર ટીમ સદસ્ય યશ ગુપ્તાએ કહ્યું કે અમે ડિસેંબરથી ભણાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે અને માર્ચ મહિના સુધી ચાલુ રાખીશું. આ વર્ષે અમારો સિલેબસ વ્યવહારુ શિક્ષણ અને પાયાના ઘડતરનો છે.
ગામડાંની શાળાનાં બાળકોને હસ્તકળા, સંગીત, નૃત્ય તથા નાટકભજવણી જેવી કળા પણ શિખવવામાં આવે છે.
ફર્સ્ટ યર વિદ્યાર્થિની અંકિતા કેશરીએ કહ્યું કે મેં અંગ્રેજી વ્યાકરણના નિયમો તૈયાર કર્યા હતા, પરંતુ મેં જોયું કે ગામડાની શાળાનાં બાળકોને મૂળ જ્ઞાન પણ નહોતું. તેથી હિન્દી તથા અંગ્રેજીમાં દ્રષ્ટાંતો આપીને એમને શિખવી રહ્યાં છીએ.
રૌનક સિંહ નામના એક અન્ય વિદ્યાર્થીએ કહ્યું કે મને આનો યાદગાર અનુુભવ પ્રાપ્ત થયો છે. આ અનુભવ મને જિંદગીભર યાદ રહી જશે. સરકારી શાળાનાં વિદ્યાર્થીઓ વિશેની મારી ધારણા સાવ જ બદલાઈ ગઈ છે.
સિમરન હોરા નામની એક અન્ય વિદ્યાર્થિનીએ કહ્યું કે તેલાવ ટીચિંગ પ્રોજેક્ટથી મને ઘણું શીખવા મળ્યું છે. બાળકોને શીખવવાની મને એક તક મળી છે.