નવરાત્રિમાં રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સવાર સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી છે. મોડી રાત્રે મહિલાઓ અને પરિવારને લઈને ગરબા રમવા નીકળેલા લોકોને ઘણીવાર ઘરે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય 11 વાગ્યા પછી દરેક ખાનગી વાહનો દોઢું ભાડું લેતા હોય છે. જેથી ઘરે પહોંચવું ખૂબ મોંઘુ પડી જાય છે. એવામાં આવી મુશ્કેલીનો સામનો કરનાર લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રોની સુવિધા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવરાત્રિને ધ્યાનમાં લઈને લોકોની સુવિધા માટે મેટ્રો ઑથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાત્રે 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવા અધિકારીઓને જણાવ્યું હતું. નવરાત્રિ દરમિયાન શહેરીજનોને સસ્તી અને આરામદાયક મુસાફરી માટેની સગવડ પૂરી પાડવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ફેઝ-1 કોરિડોરમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત છે. જેને લંબાવીને રાતના 2 વાગ્યા સુધી કરવામાં આવી છે. GMRCએ ગઈકાલે 4 ઓક્ટોબરના રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું કે, નવરાત્રિની ઉજવણીને ધ્યાનમાં લઈને, મેટ્રો ટ્રેન માત્ર ફેઝ-1 (પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ) કોરિડોરમાં એટલે કે થલતેજથી વસ્ત્રાલ ગામ સુધી અને મોટેરા સ્ટેડિયમથી APMC સુધી 5 ઑક્ટોબરથી સવારે 6.20 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. રાત્રે 10 વાગ્યા પછી મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર ફેઝ-1 (પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ) કોરિડોરમાં મળશે. દરેક સ્ટેશનથી 20 મિનિટના અંતરે મળી રહેશે.