નવસારીઃ ખેરવાણીના આછવણી ગામના સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના સ્વામી ઊર્જાનંદજીએ જીવન આખું સમાજ માટે ઘસી નાખ્યું છે. તેમણે ધનકુબેરોને જગાડીને જરૂરિયાતમંદો મદદ કરાવી છે. અણુવિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈએ એક વાર કહ્યું હતું કે હું ઇચ્છું છું કે મારા અંતિમ જીવનની ભૂમિકા એક શિક્ષક તરીકે હોય. તેમના શિષ્ય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામે પણ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે આવનારી પેઢી મને એક શિક્ષક તરીકે યાદ કરે, તેમ હું ઇચ્છું છું.
એક શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી અને ક્યારેય નિવૃત્ત થતો નથી. આવો, સ્વામી ઊર્જાનંદજી ઉર્ફે 84 વર્ષીય પ્રભુભાઈ પી. પટેલને મળીએ. તેમને રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે જે વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું તેઓ ડોક્ટર્સ, એન્જિનિયરો, આચાર્યો અને અધ્યાપકો બન્યા છે અને તેમના વ્યક્તિત્વ ઘડતરમાં તેમનો નોંધનીય ફાળો છે. તેમણે મંદિર પ્રાંગણમાં રહેલી હોસ્ટેલનો ખર્ચ પણ કોઈને કહ્યા વગર ઉઠાવ્યો છે, કેમ કે આછવણીમાં મંદિરમાં કોઈ દાન પેટી જ નથી અને કોઈની પાસેથી એક પાઇ પણ લેવામાં નથી આવતી. આ મંદિરમાં વર્ષમાં આવતા ઉત્સવો ભવ્યતાથી ઊજવાય છે. સ્વામિ ઊર્જાનંદ મંદિરમાં આવતા ભક્તોને દેશના તીર્થસ્થાનોએ લઈ જઈને યજ્ઞો સહિત વિવિધ પ્રકારના આયોજનો નિઃશુલ્ક કરે છે. વળી, એ તીર્થ સ્થાનની આસપાસ સફાઈ યજ્ઞ પણ કરે છે.
તેઓ મનુષ્ય સેવા એ જ પ્રભુ સેવા એ માનીને આસપસના વિસ્તારો અને આશ્રમ શાળામાં સેવાર્થીઓ દ્વારા લાડુ, ગરમ કપડાં, સાડીધાબળા વગેરેનું વિતરણ કરતા રહે છે. એ ઉપરાંત તેઓ જૂનમાં બાળકોને નોટબુક, પુસ્તકો, શૈક્ષણિક ફી સહિત દિવાળીએ મીઠાઇનું વિતરણ પણ કરે છે.