યોગ સાધનાનું મૂર્તિમંત સ્વરૂપ ‘મૌલિક બારોટ’

આજે વિશ્વ યોગ દિવસ,  યોગની અસરકારકતાને જોતા આજે સમગ્ર વિશ્વમાં લોકો તેનું મહત્વ સમજવા લાગ્યા છે. યોગ કેટલો લાભદાયી છે અને તેનું મહત્વ શું છે તે જાણવા માટે દર વર્ષે 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને માનવમાત્ર માટે નિરોગી રહેવાનું વરદાન  ગણાવે છે, ત્યારે આજે વાત કરવી છે યોગ સાધનાથી સુસ્વાસ્થ્ય પ્રાપ્ત કરનાર અમદાવાદના મૌલિક બારોટની જેમના માટે તો યોગ અભ્યાસ ખરા અર્થમાં વરદાન સાબિત થયો છે.

મૌલિકભાઈ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે અને સરકારી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત છે. આજે એકદમ સ્વસ્થ લાગતા મૌલિકભાઈ ભૂતકાળની સમસ્યાઓ એમના જ શબ્દોમાં વર્ણવતા ચિત્રલેખા.કોમને કહે છે કે, યોગ સાધના શરૂ કરી તે પહેલાં અનિયમિત જીવનશૈલી, બેઠાડું જીવન હોવાને કારણે ૨૦૧૮માં મારું વજન ૧૦૦ કિલોને પાર થઈ ગયું હતું. વધુમાં એસિડિટી,પિત્ત, કફ, હાઇપર ટેન્શન, તણાવ, મેદસ્વીપણું, કોલેસ્ટરોલ, કબજિયાત,  શ્વાસ ફૂલી જવો વગેરે જેવા ઘણા રોગોથી શરીર ઘેરાયેલું હતું.

આગળ જણાવતા તેઓ કહે છે કે, ૨૯ વર્ષની નાની વયે સ્વાસ્થ્યની ઘણી સમસ્યા જોયા બાદ સંકલ્પ લીધો કે સ્વાસ્થ્ય માટે જીવનશૈલીમાં બદલાવ અને યોગ અભ્યાસ જરૂરી છે.

મૌલિકભાઇએ પહેલા તો દરરોજ સવારે એક કલાક ચાલવાનું શરૂ કર્યું, ત્યારબાદ બગીચામાં વડીલો સહિત નિયમિત ચાલવા આવતા તમામ નાગરિકો સાથે મળીને તેમણે યોગ અભ્યાસ શરૂ કર્યો. વિવિધ તાલીમ વર્ગો અને ઓનલાઇન માર્ગદર્શન પ્રાપ્ત કરી તેઓએ યોગકળા હસ્તગત કરી એટલું જ નહીં નિ:શુલ્ક યોગ અભ્યાસ વર્ગો પણ તેમણે શરૂ કર્યા.

મૌલિક બારોટ આટલેથી અટક્યા નહીં, તેમણે તેમની સાથે રહેલા અન્ય લોકોને પણ યોગ ટ્રેનર તરીકે તાલીમ આપી જેમના દ્વારા યોગ વિદ્યાનો સતત ગુણાકાર થતો રહે તેવું માળખું ગોઠવ્યુ. અત્યાર સુધીમાં તેમણે ૪૦૦થી વધુ લોકોને યોગ ટ્રેનર તરીકે તાલીમ આપી છે. આ ટ્રેનર્સ દરરોજ અમદાવાદના વિસ્તારો ,સોસાયટી, બાગ બગીચા, ખુલ્લા મેદાનમાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવી રહ્યા છે. જેમના દ્વારા હજારો લોકોને યોગ સાથે જોડવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે.

ગુજરાત યોગ બોર્ડમાં સક્રિય એવા મૌલિકભાઈ અમદાવાદ મહાનગરપાલિકાના યોગ કોઓર્ડીનેટર તરીકે કાર્યરત છે. શહેરીજનોમાં યોગ માટે જાગૃતતા આવે તે હેતુથી વિશેષ કાર્યક્રમોના આયોજનમાં તેઓ મોખરે રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં યોગ શિબિર, યોગ સંવાદ, યોગ જાગૃતિ રેલી, પદ યાત્રા, અટલ ફૂટ બ્રિજ પર સૂર્ય નમસ્કાર સ્પર્ધા, હર ઘર ધ્યાન શિબિર, યોગોત્સવ, G 20 યોગ શિબિર, યોગ જાગૃતિ Cyclothon, Traditional Dressમાં યોગ , ઓફિસ યોગ, બાળકો માટે સમર યોગ કેમ્પ, જિલ્લા અને રાજ્ય કક્ષા યોગ સ્પર્ધા, કોવિડ દરમ્યાન સિવિલમાં યોગ સેવા, Bisag માં મારુ ગામ , કોરોના મુક્ત ગામ એપિસોડ, શિક્ષણ વિભાગ માં GIET સંસ્થા દ્વારા યોગ ચેલેન્જ કાર્યક્રમ,  સ્કૂલ,કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે યોગ સંવાદ, સહિતના અનેક આયોજનમાં તેઓ સહભાગી બની યોગદાન આપી રહ્યા છે.