રાજકોટમાં એક વિચિત્ર ઘટના બની છે. આજે રાજકોટમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજના સ્થળે પહોંચ્યા તો ત્યાં દૃશ્યો જોઈને નવાઈ પામ્યા હતા. સમૂહ લગ્નના નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ ગયા હતા. વાજતે ગાજતે જાન જોડી આવેલા જાન પરત લઈ જવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. સંબંધના તાતણે બંધાતા નવ યુગલોને મુશ્કેલીમાં જોતા ડીસીપીએ સૌપ્રથમ યુવગોના લગ્ન સંપન્ન કરવવાનું બીડુ પોતાના હાથે લેવાની તૈયારી બતાવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી ADB હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે 28 સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઉઘરાવી લેવામાં આવ્યા હતા જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. જેના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હાલ પોલીસ દોડી આવી છે. અને સૌપ્રથમ જે લોકોના લગ્ન અટક્યા હોય તે લગ્નો પૂર્ણ કરાવવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. સમૂહલગ્ન સ્થળ પર હોબાળો થતા રાજકોટના એસીપી રાધિકા ભારાઈ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો પોલીસ કાફલો લગ્નસ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે કેટલાક વરઘોડિયા તો લીલાતોરણે પરત ચાલ્યા ગયા હતા. પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્નવિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી અને જે વરઘોડિયા પરત ગયા હતા તેઓને બોલાવ્યા હતા અને લગ્નવિધિ શરૂ કરાવી હતી.
ચંદ્રેશ છત્રોલા, દિપક હિરાણી, દિલીપ ગોહેલ દ્વારા માધાપર ચોકડી અને બેડી ચોકડી પાસે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટની જાણ થતાં હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત રાજકોટ પોલીસે લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું છે. લગ્નની વિધિ શરુ કરવામાં આવી છે. જ્યારે રાજકોટના વિપક્ષના નેતાએ જમણવારની જવાબદારી સ્વીકારી છે. ઉલ્લેખનીય છે કે લગ્નાના આયોજક ચંદ્રેશ છત્રોલાએ સ્ટેટસ મૂકી પોતાની તબિયત સારી ન હોવાનું અને હોસ્પિટલમાં એડમીટ હોવાનો ફોટો મૂક્યો છે.
