અમદાવાદઃ જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો આજે જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જૈનોનાં ધાર્મિક સ્થળોએ પૂજા, અર્ચના, વ્યાખ્યાન અને યાત્રાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સાબરમતી વિસ્તારમાં વિવિધ પાઠશાળાઓ- શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી (ચારેય પંથ) સમસ્ત જૈન સમાજના ઉપક્રમે એક વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોથી એપ્રિલે મંગળવારની વહેલી સવારે મહાવીર જયંતી નિમિત્તે નીકળેલી રથયાત્રાનું ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી પ્રસ્થાન થયું હતું.
હાથી, ઘોડા શણગારેલી બગી, રથ , બેન્ડ-વાજાં જેવાં વિવિધ આકર્ષણો સાથે નીકળેલી રથયાત્રાનું સમગ્ર વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતિ, પરોપકાર અને અહિંસાનો સંદેશ આપતા જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીના જન્મદિવસે નીકળેલી રથયાત્રામાં આચાર્ય ભગવંતો અને શ્રાવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)
