જૂનાગઢ: ભારતી બાપુને હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલમાં તબિયત સ્થિર

જૂનાગઢ : એક તરફ જૂનાગઢમાં મહા શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે, ત્યારે જૂનાગઢના મહામંડલેશ્વર પૂ. ભારતી બાપુ પડી જતા હૉસ્ટિલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ભારતી બાપુના હૉસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતાની સાથે જ સાધુ સંતો અને ભક્તોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું હતું.

 

પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે જૂનાગઢમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ધર્મ સભા હતી, તે પહેલાં ભવનાથ જઈ રહેલા પૂ. ભારતી બાપુ પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. ભારતી બાપુ પડી જતા તેમને આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યા હતાં, જ્યાંથી સાધુ સંતો દ્વારા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જૂનાગઢની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારતી બાપુની તબિયત હાલમાં સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. ભારતી બાપુને હૉસ્પિટલાઇઝ કરાયા હોવાથી મોટા ભાગના સંતો ગઈકાલે યોજાયેલી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથની ધર્મ સભામાં પણ ઉપસ્થિત રહ્યા ન હતાં.

 

 

 

ઉલ્લેખનીય છે કે ભારતી બાપુ સ્વસ્થ્ય હોવાના સમાચાર મળતા જ ભક્તો અને સંતોએ હાશકારો અનુભવ્યો છે કારણ કે એક તરફ જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો શરૂ છે ત્યારે ભારતી બાપુની તબિયતના સમાચારના કારણે ભક્તોમાં અને સાધુ સમાજમાં વ્યાકૂળતા જોવા મળી હતી. થોડા સમય પહેલાં જ ભારતી બાપુએ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ભાગ લીધો હતો.