અમદાવાદઃ કેન્દ્રીય ચૂંટણીપંચે ગત સપ્તાહમાં સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણીઓ સમયસર યોજાશે.જેને લઈને પૂર્વાનુભાન મૂકવામાં આવી રહ્યું છે કે સાતમી માર્ચે સામાન્ય ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
લોકસભાની ચૂંટણીની જાહેરાત 7 માર્ચની આસપાસ થાય એવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની પાછળ કેટલાક સંજોગોની ગણતરી મૂકવામાં આવી રહી છે. પીએમ મોદીના કે સીએમ રુપાણીના 6 માર્ચ પછી કોઈ સત્તાવાર કાર્યક્રમો બહાર પડ્યાં નથી. ગુજરાત સરકારે 7 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થવાની સંભાવના સાથે 6 માર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને સામૂહિક ગૃહપ્રવેશના કાર્યક્રમ પછીના જાહેર અને સરકારી કાર્યક્રમો હાલ અટકાવી દીધા છે.
જો સાતમી માર્ચે ચૂંટણી જાહેર કરવામાં આવે તો મેના બીજા વીક સુધીમાં દેશની તમામ લોકસભા બેઠકોનું મતદાન પૂર્ણ થઈ જશે. 2014ની જેમ મેના અંતમાં નવી સરકારની શપથવિધિ યોજાશે. આપને જણાવીએ કે નરેન્દ્ર મોદી સરકારે 26 મે 2014ના રોજ શપથ લીધા હતા. જેથી મોદી સરકારનો કાર્યકાળ મેમાં પૂર્ણ જશે. જેને લઇને નવી સરકારની રચના પણ મેના અંત સુધીમાં થવી જરૂરી હોવાથી 7 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થશે.
2014માં 5 માર્ચના રોજ ચૂંટણી જાહેર થઈ હતી. પરંતુ 5 અને 6 માર્ચ સુધી પીએમ ગુજરાત અને તમિલનાડુના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમના આ નિર્ધારિત કાર્યક્રમો બાદ ચૂંટણી જાહેર થવાની પ્રબળ શક્યતા છે.2014માં 5 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ હતી અને ગુજરાતમાં 30 એપ્રિલે મતદાન યોજાયું હતું. આમ જો હવે 7 માર્ચે ચૂંટણી જાહેર થાય તો ગુજરાતમાં 2મે અથવા પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાવાની ગણતરીઓ ચાલી રહી છે.