એલઆરડી ભરતી વિવાદનો મામલો હાઈકોર્ટમાં

ગાંધીનગરઃ રાજ્યમાં ખૂબ ગાજેલો LRD ભરતી વિવાદનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં સરકાર દ્વારા આજે જવાબ રજૂ કરવામાં આવશે. રાજ્યની બિનઅનામત વર્ગની 254 જેટલી મહિલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી ફાઈલ કરી છે. અરજદારની માંગ છે કે GAD એ 01.08.2018 નો જે ઠરાવ બહાર પાડ્યો છે તેને રદ્દ ન કરવામાં આવે. આ ઠરાવ જો રદ્દ થશે, અથવા તો તેમાં સુધારો કરશે અથવા તો કોઈ બદલાવ કરશે તો તે અયોગ્ય ગણાશે. જેનો અમલ થઈ શકે નહી.

અરજદારોની એ પણ માગ છે કે, જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોની દસ્તાવેજોની ખરાઈ થઈ ચૂકી છે અને 1578 જગ્યાઓ માટે તેની અંતિમ પસંદગી યાદી બહાર પાડીને તેમને નિમણૂંકપત્ર આપવામાં આવે. અરજીમાં અરજદારોની રજૂઆત છે કે, આ ઉમેદવારોએ તમામ તબક્કા પાસ કરેલા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ GADએ અર્થઘટન કરીને 01.08.2018ના રોજ જે ઠરાવ બહાર પાડયો છે, તે યોગ્ય છે. સરકાર આ ઠરાવને રદ કરી શકે નહીં. જો કરે તો, તેનો અમલ પાછલી અસરથી કરવા દેવો ન જોઈએ. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

ડિસેમ્બર-2019માં LRDની ભરતીમાં અનામતનો યોગ્ય રીતે અમલ થયો નથી, તેવા આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અનામત વર્ગના મહિલા ઉમેદવારોએ અરજી કરેલી છે. જેમાં, અરજદારોનો આક્ષેપ છે કે, આ ભરતીમાં જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોના પાસ થયાની અંતિમ યાદી બહાર પાડયા પહેલા જ તેમને ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ અને દસ્તાવેજી ખરાઈ માટે બોલાવવામાં આવી છે.

કાયદો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સામાન્ય રીતે, સૌ પ્રથમ જનરલ કેટેગરીના ઉમેદવારોની અંતિમ યાદી બહાર પડે છે અને પછી અનામત કેટેગરીના ઉમેદવારોની યાદી બહાર પડે છે. જો કે, આ ભરતીમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતીના નિયમ અને અનામત પ્રક્રિયાનુ પાલન કરવામાં આવ્યું નથી. મહત્વનુ છે કે, GAD ભરતીમાં 9713 જગ્યાઓ છે. જેમાં, જનરલની 1578 જગ્યા છે.