અમદાવાદઃ સાબરમતીની બેઉ તરફ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વિકસ્યા પછી ઘણાં ગામડાં શહેરમાં ભળી ગયાં. અમદાવાદમાં ભળી ગયેલા ગામતળનાં મોટા ભાગનાં તળાવોને રળિયામણાં કરવાનો પ્રયાસ પણ થયો. કરોડો રૂપિયાનો ખર્ચ કરી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. બગીચાની સાથે અનેક સુવિધાઓ આપવામાં આવી, પરંતુ હાલના સમયમાં મોટા ભાગનાં તળાવ સુકાભઠ્ઠ થઈ ગયાં છે. કેટલાક કચરાપેટી, ઉકરડા કે રમતના મેદાન બની ગયાં. તો કેટલાંક અસામાજિક તત્વો કે ખાનાબદોશ લોકોનો અડ્ડો બની ગયાં છે.
પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, કાળીગામ અને ચાંદલોડિયાનાં બે, મેમનગરનાં બે, વસ્રાપુર વિસ્તાર સહિત અનેક તળાવોની દયનીય હાલત છે. મેમનગર વિવેકાનંદ ચોક અને ગામ પાસે આવેલાં બંને તળાવને કેબિનો, શેડ, વોક વે, ફૂલ ઝાડ સહિત અનેક સુવિધાઓથી તૈયાર કરવામાં આવ્યું હતું. હાલ મેમનગર આરએમએસ સોસાયટી સામેના તળાવની આસપાસ વાહનો અને રખડતાં ઢોરના અડ્ડા જોવા મળે છે. જ્યારે મેમનગર વિવેકાનંદ ચોક પાસે બગીચા સાથેનું તળાવ મેઇન્ટેનન્સ વગર સૂકુંભઠ્ઠ છે.
એ જ રીતે ચાંદલોડિયાનાં બેઉ તળાવ મેઇન્ટેનન્સ વગર ખરાબ હાલતમાં છે. આરંભે શૂરા એવા લોકો એ તળાવોનું બ્યુટિફિકેશન કરાવ્યું, આસપાસ બગીચા, વોક-વે બનાવ્યા. પરંતુ કાળજી, દેખરેખ અને સમારકામ વગર શહેરનાં મોટા ભાગનાં તળાવોને સુંદર બનાવવા કરોડો ખર્ચ્યા પછી પણ ગંદકીના ઢગ સાથે જર્જરિત થવા માંડ્યાં છે. તળાવોની ખરાબ સ્થિતિ તમામ વિસ્તારમાં છે. સૌથી મહત્ત્વ ની વાત એ છે કે કેટલાક વિસ્તારમાં તો મંત્રીઓ, માજી મંત્રીઓ, શહેરના ચૂંટાયેલા પક્ષના હોદ્દેદારો, અધિકારીઓનાં રહેઠાણ હોવા છતાં તળાવો, બગીચા અને એમાં નાખવામાં આવેલી ચીજવસ્તુઓની હાલત ખરાબ છે..
(પ્રજ્ઞેશ વ્યાસ)