ભૂજ- કચ્છના માનકૂવા વિસ્તાર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં અને 10થી વધુ ઘાયલ થયાં હતાં. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં બાદ વધુ 4 લોકોના મોત નિપજ્યાં છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે.
કચ્છના માનકુવા અને સામત્રા ગામની નજીક એક ઓટો રિક્ષા અને ટ્રક ધડાકાભેર અથડાયા હતાં. આ અકસ્માતમાં પાંચ પુરુષ, માધુ મુકેશ, મૂકેશ ગોહેલ, રાધેશ્યામ ગોહેલ, પપ્પુ અને પરબતલાલ તેમ જ ત્રણ મહિલાઓ, બસુબાઈ, રીનાબહેન, પૂજા રાધેશ્યામ, ત્રણ બાળકો ખુશી, ખુત્બા અને રોહિત -કુલ 11નાં મોત નીપજ્યાં છે. ઉપરાત, બાઈકચાલક મહેશ નામનો યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
અકસ્માત સર્જાતાની સાથે આસપાસનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. તો રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો થંભી ગયા હતાં. અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતાં.
અકસ્માતને પગલે ઈમરજન્સી સારવાર માટે 108 જાણ કરવામાં આવી હતી. 108ની ચાર ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઘાયલોને ભૂજની અદાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માતને પગલે માનકૂવા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માતમાં મૃતકોને ટેમ્પોની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.
અકસ્માત એટલો ગંભીર હતો કે, રિક્ષામાં સવાર તમામ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.