ગુજરાતને મળ્યાં 25માં નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આર્યસમાજ સાથે નિકટનો છે નાતો

અમદાવાદઃ ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવી છે. ગુરુપૂર્ણિમા પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગુજરાતને ભેટ તરીકે ગુજરાતના 25માં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતને નીમવામાં આવ્યાં છે. આચાર્ય દેવવ્રત 12 ઓગસ્ટ, 2015ના રોજ તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યાં હતાં.
આચાર્ય દેવવ્રત હિમાચલપ્રદેશના ગવર્નર તરીકે હોદ્દો સંભાળી રહ્યાં છે ત્યારે તેમને ગુજરાત મોકલાતાં હિમાચલપ્રદેશના ગવર્નર તરીકે કલરાજ મિશ્રને જવાબદારી સોંપવામાં આવી છે.
આચાર્ય દેવવ્રત આચાર્યનો ટૂંક પરિચય મેળવીએ તો તેમનો જન્મ 18 જાન્યુઆરી, 1959ના રોજ પંજાબના પાનીપત જિલ્લાના સામલખામાં થયો હતો.1984માં તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતર પૂર્ણ કર્યું હતું.

આચાર્ય દેવવ્રતની સામાજિક કામગીરીઓમાં પણ સારી એવી ભૂમિકા જોવા મળતી રહી છે. તેમણે પ્રદૂષણમુક્ત વાતાવરણ માટે આગળ વધીને કામ કર્યું છે, સાથે બેટી બચાવો બેટી પઢાઓ  અને મહિલા અધિકારો માટે પણ તેમણે કામ કર્યું છે

આચાર્ય દેવવ્રત ભારતીય સંસ્કૃતિના પ્રચારપ્રસાર માટે યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના પ્રવાસે પણ ગયાં છે.તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારો અને સિદ્ધાંતોથી પ્રેરિત છે. જેથી તેઓ આર્યસમાજ સાથે જોડાયેલાં છે. 1981માં આચાર્ય દેવવ્રતે ગુરુકુલ કુરુક્ષેત્રનો કાર્યભાર સંભાળ્યો હતો. 10 વિદ્યાર્થીઓથી શરુ થયેલાં ગુરુકુલમાં હવે 20,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ શિમલા યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.