370 કલમ રદ થયા પછી કચ્છ હવે સૌથી મોટો જિલ્લો નહીં

અમદાવાદઃ કલમ 370 હટાવાયાં બાદ હવે જમ્મુ-કશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયાં છે. આ સાથે ભારતને પોતાનો સૌથી મોટો નવો જિલ્લો મળ્યો છે. આ જિલ્લો છે લેહ.

ભારતના નવા નકશા પ્રમાણે જમ્મુકશ્મીરના મુકાબલે લદ્દાખનું ક્ષેત્રફળ વધુ છે, પરંતુ તેમાં ફક્ત બે જ જિલ્લા છે. જેમાં લેહ અને કારગિલનો સમાવેશ થાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઇએ તો લેહ હવે ભારતનો સૌથી મોટો જિલ્લો બની ગયો છે. જોકે લેહનો એક હિસ્સો પાકિસ્તાન અને એક હિસ્સો ચીનના કબજામાં છે.

આ પહેલાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણા ગુજરાતનો કચ્છ જિલ્લો દેશનો સૌથી મોટો જિલ્લો હોવાનું માન ધરાવતો હતો, જે હવે લેહના ફાળે જાય છે.

ગૃહમંત્રાલય પ્રમાણે 1947ના સમયના જમ્મુકશ્મીર રાજ્યમાં 14 જિલ્લા હતા. જેમાં કઠુઆ, જમ્મુ, ઉધમપુર, રિયાસી, અનંતનાગ, બારામૂલા, પૂંચ, મીરપુર, મુજફ્ફરાબાદ, લેહ અને લદ્દાખ, ગિલગિટ ગિલગિટ વજારત, ચિલ્હાસ અને ટ્રાઈબલ ટેરેટરી.

2019 સુધીમાં ભૂતપૂર્વ જમ્મુ અને કશ્મીરની રાજ્ય સરકારે આ 14 જિલ્લાના ક્ષત્રોને પુનર્ગઠિત કરીને 28 જિલ્લા બનાવી દીધાં હતાં. નવા જિલ્લાના નામ આ પ્રમાણે છે. કુપવાડા, બાંદીપુર, ગાંદરબલ, શ્રીનગર, બડગામ, પુલવામા, શોપિયાં, કુલગામ, રાજૌરી, રામબન, ડોડા, કિશ્તવાડ, સામ્બા અને કારગિલ.

ભારતનો નવો નકશો સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયાએ તૈયાર કર્યો છે. તે અનુસાર હવે ભારતમાં 28 રાજ્ય અને 9 કેન્દ્રશાસિત પ્રદેશ અસ્તિત્વ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં કલમ 370 હટાવવાના અને જમ્મુકશ્મીર પુનર્ગઠનબિલના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, હું જ્યારે જ્યારે જમ્મુકશ્મીર બોલું છું તો ત્યારેત્યારે પીઓકે અને અક્સાઈ ચીન તેનો હિસ્સો હોય છે…. તેમણે આ માટે જીવ આપવાની વાત પણ કહી હતી. તેમણે જે બે ક્ષેત્રના નામ લીધાં તેમાંના પીઓકે પર પાકિસ્તાને 1948થી કબજો કરી લીધો છે અને અક્સાઈ ચીન પર ચીને 1962ના યુદ્ધમાં કબજો કરી લીધો હતો. લેહ જિલ્લાનો ઉત્તર-પૂર્વી ભાગ અક્સાઈ ચીન છે. ચીનના કબજા પહેલાં એ લદ્દાખમાં આવતો હતો. જેની એક સીમા તિબેટ અને બીજી સીમા ચીન સાથે સંકળાતી હતી.

1950ના દશકમાં ચીને તેના પર કબજો લઇ લેતાં ત્યાંથી તિબેટ સુધી જતો રસ્તો બનાવી લીધો હતો. ત્યારે ભારતને આ વાતની જાણ બહુ મોડી થઈ હતી. એ પછી 1962ના યુદ્ધ દરમિયાન ચીને તેના પર પૂર્ણ કબજો કરી લીધો અને તેને પોતાના શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રમાં ભેળવી દીધો હતો. ત્યારથી એ વિસ્તાર ચીનના કબજામાં છે. અક્સાઈ ચીન ઉપરાંત અરુણાચલપ્રદેશ મામલે પણ ચીન સાથે સીમાવિવાદ ચાલુ રહ્યો છે.

(નોંધઃ અહીં આપેલા નકશા ફક્ત સમજૂતી માટે છે.)