અમદાવાદ- રાજ્ય અને શહેરોમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટનાઓ ન બને તે માટે પોલીસ વિભાગ સતત સક્રિય રહીને સેવાકીય કામગીરી સુપેરે નિભાવી રહ્યું છે. જેમાં ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સુરક્ષા આપવાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા એક નવતર પહેલ સ્વરૂપે ‘SHETeam – શી ટીમ’ ની રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા હંમેશા સતર્ક રહે છે અને તેથી જ પોલીસ કમિશનરની નજર હેઠળ આ ‘શી ટીમ’ કામગીરી કરી રહી છે.
આ ‘શી ટીમ’ એટલે મહિલાઓ દ્વારા, મહિલાઓ થકી ,અને મહિલાઓ માટે જ કાર્યરત એવી પોલીસ વિભાગની ‘મહિલા પોલીસ’ દ્વારા બનાવવામાં આવેલી એક સશક્ત અને સુજજ ટીમ. જેનો મૂળ ઉદ્દેશ એ છે કે મહિલાઓની સુરક્ષા કરવી અને તેમનું રક્ષણ કરવુ. કોલેજ કેમ્પસ,પીજી હોસ્ટેલ, જાહેર સ્થળો,બાગ-બગીચા,શોપિંગ મોલ, રિવરફ્રન્ટ અને જાહેર જગ્યાઓ પર કોઈપણ મહિલાઓ સાથે છેડતી ના બનાવ ન બને તે માટે આ ‘શી ટીમ’ દિવસ-રાત સતત પેટ્રોલીંગ કરે છે. છેડતીખોરો અને રોમિયોગીરી કરતા વ્યક્તિઓને સ્થળ પર જ પકડવા માંટે આ ટીમ બનાવવામાં આવી છે – જે જાહેર સ્થળો પર મહિલાઓને સુરક્ષા કરી રહી છે.
અમદાવાદ શહેરમાં જાહેર રોડ ઉપર કોલેજ-યુનિવર્સિટીની બહાર, શાક માર્કેટ અને અનેક જાહેર સ્થળો પર યુવતીઓની છેડતીઓની ઘટના સામે આ ‘શી ટીમ’ની હવે લાલ આંખ છે અને બાજ નજર છે.આ ટીમ શહેરના મોલ- રેસ્ટોરન્ટ ,ગાર્ડન સહિત જાહેર સ્થળો પર તૈનાત રહે છે એટલું જ નહીં પણ શહેરના કોઇપણ વિસ્તારમાંથી કોઈપણ મહિલાનો ફોન ૧૦૦ નંબર પર અથવા ૧૮૧–‘મહિલા અભયમ’ હેલ્પલાઇન પર આવશે કે તરત જ આ ટીમ ગણતરીની સેકન્ડોમાં તે જગ્યાએ પહોંચી જશે અને છેડતી કરનાર વ્યક્તિની અથવા તો સમૂહની ધરપકડ કરી લેશે. મુશ્કેલીમાં મુકાયેલી કોઈપણ વ્યક્તિ આ બંને નંબર પર એવા કોઈ બનાવની જાણ કરી શકશે અને તુરંત મદદ મેળવી શકે છે. તરત જ તે વ્યક્તિની નજીક રહેલ પોલીસ સ્ટેશન આ ‘શી ટીમ’ને જાણ કરે છે. ત્યારબાદ આ ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને મુશ્કેલીમાં મુકાયેલ મહિલાને સુરક્ષા પૂરી પાડે છે.
આ ‘શી ટીમ’ મહિલા, બાળક કે સિનિયર સિટીઝનને કોઈપણ પ્રકારની કોઈ વ્યક્તિ હેરાન ગતિ કરતી હશે તો ત્યાં પહોંચીને તેમને મદદ કરશે અને તેઓને તકલીફમાંથી છોડાવશે. મદદ માગનાર વ્યક્તિ પોતાની ઓળખ છુપાવવા માંગતા હશે અને ફરિયાદી બનવા નહીં માગતા હોય તો પોલીસ પોતે જ ફરિયાદી બને છે. જેથી જે તે વ્યક્તિની ઓળખ જાહેર થઇ શકતી નથી અને તે ગુનેગારોથી સંપૂર્ણ સુરક્ષિત પણ રહે છે આ એક મહત્વનું પાસું ‘શી ટીમ’નુ છે.
૧૦ જુલાઇ ૨૦૧૯ થી શરૂ થયેલ આ ‘શી ટીમ’ની પ્રારંભિક તબક્કાની કામગીરીમાં અમદાવાદ શહેરમાં હાલ ઝોન-૧ અને ઝોન-૭મા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઝોન-૧ હેઠળ આવતા પોલીસ સ્ટેશન જેવા કે સોલા, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, નવરંગપુરા, નારણપુરા, ગુજરાત યુનિવર્સિટી, વાડજ અને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. તો ઝોન-૭ હેઠળના પોલીસ સ્ટેશનો જેમાં સેટેલાઈટ, વેજલપુર, સરખેજ, આનંદનગર, વાસણા અને પાલડીપોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત મહિલા પોલીસની એક- એક ટીમ બનાવવામાં આવી છે. એક ટીમમાં કુલ સાત પોલીસકર્મીઓ હોય છે. જેમાં એક પીએસઆઇ,ચાર મહિલા પોલીસકર્મી અને બે પુરુષ પોલીસકર્મીઓ હોય છે. આ બંને પુરુષ પોલીસકર્મીઓને He Man – (હી મેન) નામ આપવામાં આવ્યું છે.
તાજેતરમાં જ આ ટીમની રચના અને કામગીરી શરૂ થયા બાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ દ્વારા તેની વિસ્તૃત જાણકારી બહેનોને મળે તે માટે ગુજરાત યુનિવર્સિટી, સિનેમાઘરો, વિવિધ વૃદ્ધાશ્રમો, કન્યાશાળાઓ, શોપિંગ મોલ, બગીચાઓ અને જાહેર સ્થળોએ ટીમની બહેનો જઈને સેલ્ફ ડિફેન્સની જાણકારી આપે છે. સાથે-સાથે ૧૦૦ નંબર અને ૧૮૧ ‘મહિલા અભયમ’ હેલ્પલાઇન વિશેની માહિતી આપીને વિદ્યાર્થીનીઓને તેમના મોબાઇલમાં આ એપ ડાઉનલોડ કરાવીને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેનાથી સંપૂર્ણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તદુપરાંત કોઈપણ મહિલાઓ સાથે અઘટિત, અશોભનીય અને તેમની ઇચ્છા વિરુદ્ધની કોઈપણ ઘટના બને તો તેવા સમયે તેમણે પોતાનં બચાવમાં તેનો પ્રતિકાર કઈ રીતે કરવો તેની પણ માહિતી આપવામાં આવી રહી છે.
આ કામગીરી ઉપરાંત હવે શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓ માટે ખાસ ફરિયાદ પેટી મૂકવાનું આયોજન કરવામાં આવશે. જેમાં કોઈપણ મહિલા પોતાને પડતી મુશ્કેલીની ફરીયાદ લેખિતમાં કરી શકશે અને તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ફરિયાદો મળતા તેના આધારે શહેર પોલીસ તેની આગળની કાર્યવાહી પણ કરી શકશે.
જાહેર જનતા તરફથી સક્રિય અને સુચારુ પ્રતિભાવ સાપ્ડ્યા બાદ ભવિષ્યમાં આ ‘શી ટીમ’નો એક અલગ હેલ્પલાઇન નંબર અને મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવાની રાજ્ય સરકારની વિચારણા છે. જેથી જાહેર જનતા તેનો મહત્તમ લાભ લઈ શકશે અને સમગ્ર શહેરની અને ત્યારબાદ પુરા રાજ્યોને સાંકળી લેવાની રાજ્ય સરકારની નેમ છે. પ્રાયોગિક ધોરણે અત્યારે આ ટીમને ઇમર્જન્સી રિસ્પોન્સ માટે ટુ વ્હીલરની ફાળવણી કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ સારી અને સુજ્જ સેવા આપી શકે તે માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સુવિધા પૂરી પાડવામાં આવનાર છે.‘’ પોલીસ પ્રજાનો મિત્ર’’છે તે ઉક્તિને ગુજરાત પોલીસે ખરાં અર્થમાં સાર્થક કરી છે.