ચોમાસાની જમાવટઃ રાજ્યની જીવાદોરી નર્મદા ડેમે સૌપ્રથમ ક્રેસ્ટ લેવલ પાર કર્યું

રાજપીપળા- નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આજે તા. 25 જુલાઇ, 2019 ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી દીધી છે. 25 જૂલાઈએ સવારના ૮-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર પહોંચી હોવાની માહિતી નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે આપી હતી.

નર્મદા ડેમ સાઇટ ખાતે કેનાલ હેડપાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટ પૈકી આજે ત્રણ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત હતાં અને ગત તા. ૨૪ જુલાઇ, ૨૦૧૯ ના ૦૦-૦૦થી ૨૪-૦૦ કલાક દરમિયાન ૨,૩૬૭ મેગાવોટ જેટલું વીજ ઉત્પાદન કરાયું હતું.

કેવડીયા કોલોનીના નર્મદા ડેમ ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ 24 જૂલાઇના સવારના ૮-૦૦ કલાકથી લઈને 25 જુલાઇના સવારના ૮-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર- ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળરાશિમાં ૧૫,૩૬૨ કયુસેક પાણીનો વધારો નોંધાયો છે, જયારે મુખ્ય કેનાલમાંથી ૧૩,૬૯૦ કયુસેક પાણીની જાવક નોંધાઈ છે.