પતંગોત્સવઃ અમદાવાદમાં લાગ્યા પતંગ, દોરીના મંડપ

અમદાવાદઃ ઉતરાયણના પતંગની મજા માણવામાં ગુજરાત અને એમાંય અમદાવાદ કંઈક જુદું જ તરી આવે છે. એટલે જ ઉતરાયણ જોડે સંકળાયેલી અઢળક ચીજવસ્તુઓ શહેરમાં બને છે અને ખરીદ વેચાણ થાય છે.

પતંગ, દોરીને બનાવવામાં વેચવામાં હજારો પરિવારોનું ગુજરાન ચાલે છે. આ સાથે પતંગોત્સવની મજા માણતાં લોકો પીપૂડાં, અવનવા માસ્ક, ટોપીઓ, તુક્કલો, ગુંદરપટ્ટી જેવી અનેક ચીજવસ્તુઓ ખરીદતા હોય છે. પતંગ-દોરી સાથે બીજી ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ થતાં કરોડો રૂપિયાનો વેપાર નાના-મોટા શહેરોમાં થાય છે.

અમદાવાદ શહેરમાં થોડાક વર્ષો પહેલાં દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા, કાલુપુર, ટંકશાળ જેવા વિસ્તારોમાં પતંગ-દોરીનું મોટું બજાર જોવા મળતું હતું. હવે તો શહેર ચારેય બાજુ વિકસતાં પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારના ખુલ્લા મેદાનોમાં, પ્લોટોમાં સિઝનેબલ વસ્તુઓ વેચનારા લોકો વધી ગયા છે. જેમ જેમ સમય જાય છે એમ રોડ પર અને ખુલ્લી જગ્યાઓમાં ઉતરાયણ જેવા તહેવારોમાં ઉપયોગી ચીજવસ્તુઓનું વેચાણ કરતી લારીઓ, મંડપો, ફૂટપાથ પરના પાથરણાં-બજાર સતત વધતાં જાય છે.

આ વર્ષે પણ શહેરના દરેક વિસ્તારોમાં ઠેર ઠેર પતંગ-દોરી અને ઉતરાયણના ઉત્સવને લગતી વસ્તુઓનું વેચાણ કરનારા જોવા મળી રહ્યા છે. પતંગોત્સવને માણતાં લોકોની ખરીદી પણ શરૂ થઇ ગઇ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)