અમદાવાદઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. બંને નેતાઓ આમ આદમી પાર્ટીના પ્રસ્તાવિત રોડ શોમાં ભાગ લેશે. આપ પાર્ટીના ગુજરાતના મહા સચિવ મનોજ સોરઠિયાએ આ રોડ શોને તિરંગા યાત્રા ગણાવી છે.
કેજરીવાલ અને ભગવંત માન ગઈ કાલે રાત્રે દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે સવારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. તેઓ સાંજે ચાર વાગ્યે નિકોલ-ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધી રોડ શો યોજવાના છે. દિલ્હીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાને પગલે ગુજરાતમાં પણ આવી કોઈ ઘટના ન બને તેના માટે તેમની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
બંને નેતાઓ બપોરે તિરંગા યાત્રાનું નેતૃત્વ કરવા માટે નિકોલ વિસ્તારમાં પહોંચશે. દિલ્હી રવાના થતાં પહેલાં બંને નેતાઓ શાહીબાગમાં સ્વામિનારાયણ મંદિર જશે. AMCના વિભાગ દ્વારા આપનાં ઠેર-ઠેર લાગેલાં બેનરો ઉતારી લેવામાં આવતાં આપ પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો હતો. પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે બંને નેતાઓની અમદાવાદની મુલાકાતથી ભાજપ સરકાર ડરી ગઈ છે.
પંજાબમાં ભવ્ય જીત મળ્યા પછી આપ પાર્ટીની ગુજરાત અને હિમાચલ પ્રદેશની આવનારી ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.