જૂનાગઢ: પ્રાણીપ્રેમીઓને આઘાતજનક એવા સમાચાર જૂનાગઢના તોરણીયાથી બહાર આવી રહ્યાં છે. જ્યાં ગૌશાળામાં નિભાવ માટે અપાયેલી ગાયોના મોટાપ્રમાણમાં પશુઓના મોત નીપજ્યાં છે.વ્યવસ્થાના અભાવે આ મોત થયાં છે તે ઓર કરુણાજનક છે.જૂનાગઢ મ્યૂનિસિપલ કોર્પોરેશને આ પશુઓને રામાપીર ગૌશાળાને નિભાવ માટે આપ્યાં હતાં પણ પૂરતી તકેદારીના અભાવે છેલ્લાં કેટલાક સમયથી આ પશુઓ મરવા લાગ્યાં છે અને આશરે એક વર્ષની અંદરઅંદર કૂલ 550થી વધુ પશુઓના મોત નીપજ્યાં છે. જૂનાગઢ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પશુદીઠ ત્રણ હજાર રૂપિયા ગૌશાળાને ચૂકવવામાં આવે છે. ગૌશાળાની કેપેસિટી 100થી 150 પશુઓ રાખવાની છે પણ જૂનાગઢ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 700 પશુઓ આપવામાં આવ્યાં હતાં. ગૌશાળા પાસે વ્યવસ્થા ન હોવાથી 550 જેટલાં પશુઓ મરી ગયા છે.
ગૌશાળામાં પશુઓ મોટાં પ્રમાણમાં મરવાના ખબર મળતાં ગૌપ્રેમીઓ દોડી આવ્યા હતા અને વિગતો મેળવી હતી. આ સમયે 160 જેટલાં મરેલા પશુઓ જોવા મળ્યાં હતાં. આટલા ગૌ રક્ષા સમિતિના પ્રમુખ કેતન પટેલે કહ્યું કે, આ પ્રકરણમાં જેની પણ જવાબદારી હોય તેની સામે કાયદેસર પગલા ભરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે .
આ સંદર્ભે અંગે જૂનાગઢ મ્યૂનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ચેરમેન નીલેશ ધુલેશિયાએ જણાવ્યું હતું કે અમારા ધ્યાન બહાર આ પ્રકરણ બન્યું છે. આટલા બધા ગૌવંશના મોત એ શરમજનક બાબત છે. અમે આની યોગ્ય તપાસ કરાવીશું અને જો આમાં કોર્પોરેશનના કોઈ અધિકારી સામેલ હશે તો કાયદાકીય પગલાં ભરીશું.
અહેવાલઃ વિજય ત્રિવેદી, જૂનાગઢ