શિવરાત્રીએ ગિરનારની ગોદમાં કુંભ મેળો

જુનાગઢ: કુંભમેળામાં ક્યારેય  ન જઈ શક્યા હો તો તેના નાના ભાઈ જેવો શિવરાત્રીનો મેળો છે અને તેમાં રાત્રે નીકળતી નાગા સાધુઓની રવાડી એ દેશમાં કુંભમેળા પછી બીજા નંબરે મળતી સાધુઓની યાત્રા છે. જે તારીખ 21ના રોજ ગિરનાર તળેટીમાં જોવા મળશે. જૂનાગઢની આ રવાડી 3 થી 4 કલાક ચાલે છે. તેમાં ભાવિકોને અગમ-નિગમની અજબ દુનિયાનો અનુભવ થાય છે. ‘સાધુ તો ચલતા ભલા’ એ વાક્ય અહીં ગિરનારની તળેટીમાં 2 કિલોમીટરની તેમની નગ્ન યાત્રા જોઈને નવા જ કલ્પના ઊભા કરે છે.

 

શિયાળાની ઠંડી ઓસરે. મહા વદ તેરસે રસ્તા પર તેમની ગતિ પકડાય છે. ભવનાથ તળેટીના પ્રથમ પગથિયાંથી છેક મુખ્ય ચોક સુધીના 2 કિલોમીટરનાં રસ્તા પર નાગા સાધુઓનું હેરત પમાડે તેવું સરઘસ નિહાળવાલાયક છે.આ દિવસે 5 દિવસનો મેળો પણ રવાડીના વિસર્જન સાથે પૂર્ણ થાય છે. વહેલી સવારે રવાડીનું વિસર્જન, શિવરાત્રિનાં મેળાનું સમાપન થતાં જ નાગાબાવા મ્રુગીકુંડમાં તળેટી ખાતે સ્નાન કરવા ડૂબકી લગાવે છે. એવું પણ કહેવાય છે કે તે પૈકીના કેટલાક સંન્યાસીઓ અંદરથી જ અદ્રશ્ય થઈ જાય છે અને આવતી શિવરાત્રીએ જ દેખાય છે. લોકવાયકા મુજબ અજર-અમર અને 5 પાંડવો પણ ઉપસ્થિત રહીને સાથે ફરીને સ્નાન કરે છે

 

શિવરાત્રીનો મેળો તો સૌરાષ્ટ્રના અન્ય માધવપુર, નિષ્કલંક મેળા જેવો લોકમેળો જ છે. પરંતુ અલૌકિક અનુભૂતિ શિવરાત્રિની બાબાઓની રવાડીની છે. જેમાં સમગ્ર દેશમાંથી કુંભ મેળાની જેમ ઉપસ્થિત રહેલા નાગા સાધુ ગિરનાર તળેટીના રસ્તા પર યાત્રા કરે છે. તલવારબાજી, લાકડીનાં ખેલ, આગ સાથે અલગ-અલગ પ્રકારના દાવ, ધર્મધજા અને ધર્મદંડની ઊંચાઇ સાથે જમાવટથી ભૂતપરંપરાની દુનિયામાં રાત વિતાવી હોય તેવો અનુભવ થાય છે. કેટલાક મહાત્માઓ પોતાના લિંગથી ભારે વસ્તુઓ ખેંચીને પણ સાધકોને આશ્ચર્યમાં મૂકી દે છે, અહમ્ બ્રહમાસ્મી!

 

બપોર પછી 4 વાગ્યાથી સમગ્ર 2 કિ.મી.નો મુખ્ય માર્ગ બ્લોક કરી દેવામાં આવે છે. છતાં લોકો ઘરે જવાને બદલે રસ્તાની બંને બાજુ બાંધેલી બેરીકેટ ફરતે છેક દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર સુધી ભવનાથ મંદિરથી બેસી જાય છે. 5 થી 6 કલાક ભુખ્યા-તરસ્યા બેસી રહ્યા પછી રાત્રે 9 થી 10 કલાકે રવાડી જોવા મળે છે. ભવનાથ મંદિરમાં આરતી કર્યા બાદ રસ્તા પર તેમના સરઘસ સાથે નીકળી પડે છે ત્યારે સાધકોનો 5 થી 6 કલાક બેસી રહ્યાંનો થાક ઓગળી જાય છે અને તેમની અજબ-ગજબ દુનિયા નિહાળીને મોઢામાં આંગળા આપમેળે જ પ્રવેશી જાય છે. પ્રથમવાર રવાડી જોનારા અવશ્ય ‘ઓહ’ એવું બોલી ઉઠશે. કદાચ કુંભમેળામાં ન જવાનો વસવસો રહી ગયો હોય તો તેઓ ગિરનારની ગોદમાં શિવરાત્રીની નાગા બાવાઓની રવાડીથી પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે.

 

મહા વદ તેરસે બપોર સુધીમાં જૂનાગઢની ગિરનાર તળેટીમાં પહોંચી જવું જરૂરી છે, કારણ કે  5 કિલોમીટર દૂર ગિરનાર દરવાજા ખાતે વાહનો મૂકીને અંદર પગપાળા પહોંચવાનું થાય છે. અને 4 વાગ્યા પછી પગપાળા પણ અંદર ભવનાથ મંદિર સુધી જઈ શકાતું નથી. વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારી તંત્રએ અગાઉથી જ બેરીકેટ બાંધી દીધેલાં હોય છે અને પોલીસને બંદોબસ્તમાં હોય છે. સૌપ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી.તેમની પટ્ટાબાજી અને લાઠીદાવના ખેલ અદભુત હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર 84 સિદ્ધપુરુષોની જગ્યા માનવામાં આવે છે અને તેના સાંનિધ્યમાં નાગા બાવા ખાસ આ રાત્રે તેમજ કુંભ મેળામાં જ ખીલી ઉઠે છે.

 

આ વખતની રવાડી જોવાનું આયોજન કરતાં હો તો ખાવા-પીવાની વ્યવસ્થા સાથે જ 4 વાગે ગોઠવાવું જોઈએ. હજારોની સંખ્યા હોવાથી પોલીસ ખાતું ઊભું થવા દેતું નથી. છેક વહેલી સવારે રવાડી પૂર્ણ થાય ત્યાં સુધી બેસી રહેવું પડે છે. ધીરજ અને સહનશક્તિનો ગુણ ન હોય તો તેઓ માટે નાગા બાવાઓનું સરઘસ માણવું મુશ્કેલ છે. કેટલાય એવા સાધકો પણ છે કે 2-3 કલાક બેસી શકતા નથી ને રવાડી શરૂ થાય તે પહેલાં જ તેમની ઉભા થઈને ઘર તરફની યાત્રા શરૂ થઈ જાય છે! જોકે ત્યાંથી ઊભા થઈને બહાર નીકળવું પણ અતિ મુશ્કેલ કામ છે. એકવાર સાધુઓનું સરઘસ શરૂ થઈ જાય પછી 3-4 કલાક ક્યારે અને કેમ વીતી જાય છે તેની ખબર પણ પડતી નથી. રાત્રે મેળામાં કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પણ નાગાબાવા છે. જેવી રીતે કુંભ મેળામાં ગંગાસ્નાન છે, તો અહીં મૃગીકુંડ સ્નાન છે. શિવરાત્રી પૂર્વે 6 દિવસથી જૂનાગઢમાં અલખની આરાધનાનો માહોલ જામી જાય છે. સરકારી ધોરણે ખાસ ટ્રેન- બસ જેવા વાહનોની વ્યવસ્થા કરવામાં આવે છે. જેના દ્વારા દેશભરમાંથી સાધુ-સંતો-મહંતો ઉમટી પડે છે. તળેટીમાં ભવનાથ મંદિરની જમણી બાજુએ ફક્ત આ સાધુઓ માટે રાવટી તૈયાર કરાય છે. જેમાં ધૂણી ધખે છે. જગન્નાથની રથયાત્રા હોય કે તાજિયાનું જુલૂસ હોય કે મરાઠી સિસ્ટમથી ગણેશયાત્રા હોય તે પૈકીના નાગાબાવાઓનું સરઘસ જે રવાડી છે, તે માત્ર શિવરાત્રીએ ગિરનારની ગોદમાં જ માણી શકાય છે. જેનાથી અગમ-નિગમની અને ભૂતાવળની દુનિયાને નજીકથી જાણી શકાય છે.

(જિજ્ઞેશ ઠાકર)