અમદાવાદની ગુફામાં કરો ‘Journey Through Nature’, કળાપ્રેમીઓ માટે ખાસ…

અમદાવાદ- કળાનો એક ગુણ કહેવાયો છે કે તે જેટલો આનંદ સર્જકને બક્ષે છે તેવો કળાનંદ કળારસિકને પણ કળાની અનુભૂતિ દ્વારા કરાવે છે. બ્રહ્માનંદ સહોદર કળાનંદને વિવિધ માધ્યમો દ્વારા કળાકારો પ્રગટન આપે છે તેમાં ચિત્રકળા પણ મહત્ત્વનું માધ્યમ છે. અમદાવાદમાં હાલમાં ચાલી રહેલ એક ચિત્ર પ્રદર્શનની સારી એવી નોંધ લેવાઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી ” અમદાવાદની ગુફા” આર્ટ ગેલેરીમાં 6 ઓગસ્ટે, જસ્મીન દવેના ચિત્ર પ્રદર્શન ” Journey Through Nature ” ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

જસ્મીન દવેના આધ્યાત્મ-ધર્મ અને અન્ય વિષયોને વણી લેતાં આ ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન નટુભાઇ મિસ્ત્રી, મનહર કાપડીયા, બસંત મહેશ્વરી, અમિત ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું.

તા. 6 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં ખુલ્લાં મૂકાયેલા આ અનોખા ચિત્ર પ્રદર્શનને નિહાળવા મોટી સંખ્યામાં કળારસિકો ઉમટી પડ્યાં હતાં.

શહેરના કળાપ્રેમીઓ અને ચિત્રકળાના ગુણ શીખવા માગતાં સૌ વિદ્યાર્થીજનો માટે આ પ્રદર્શનની લટાર એક આહલાદક અનુભવ કરાવનાર બની રહ્યો છે. યુનિવર્સિટી વિસ્તાર હોવાથી બહોળી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓની અવરજવર હોય છે તેથી અમદાવાદની ગુફા જેવી સુંદર ગેલેરીમાં યોજાયેલાં આ ચિત્રપ્રદર્શનમાં રજૂ થયેલાં ચિત્રો રસપ્રદ વાતાવરણ સર્જી રહ્યાં છે.

 

પ્રજ્ઞેશ વ્યાસ