ટ્રમ્પ આવશે, સાથે દીકરી અને જમાઇને ય લાવશે?

અમદાવાદઃ આગામી 24 તારીખના રોજ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ અમદાવાદમાં આવવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને અમદાવાદમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ અને અદભૂત તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે હવે પ્રાપ્ત થતા એક અન્ય સમાચારો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ એકલા ભારત પ્રવાસે નહી આવે પરંતુ તેમની સાથે તેમના જમાઈ અને પુત્રી પણ અમદાવાદમાં આવે તેવી શક્યતાઓ છે.

આગામી 24-25 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ ભારતના પ્રવાસે આવશે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને તેમના પતિ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. આખો ટ્રમ્પ પરિવાર અમદાવાદ અને આગ્રાની મુલાકાત લેશે. આમ, અમેરિકાનો પ્રથમ પરિવાર નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં હાજર રહેશે.

2 દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદ પહોંચવાના છે. આ માટે મોટેરા સ્ટેડિયમ લાઈટિંગથી સજીધજીને તૈયાર થઈ રહ્યું છે. 24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે. આખી દુનિયા જોતી રહી જાય અને વિશ્વ આખું યાદ રાખે તેવા કાર્યક્રમની યજમાની અમદાવાદ કરવા જઈ રહ્યું છે. નમસ્તે ટ્રમ્પ માટે સ્ટેડિયમમાં રાષ્ટ્રીય કલાકારો પરફોર્મન્સ કરશે. બંને દિગ્ગજ નેતાઓના સંબોધન પહેલા યોજાશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.