જીવરાજ પાર્ક બ્લાસ્ટ મામલે તપાસનો ધમધમાટ શરૂ, ઘરમાં બ્યુટેન ગેસના 1300 કેન હતા

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક આવેલી જ્ઞાનદા સોસાયટીમાં રવિવારે એક રહેણાક મકાનમાં બનાવેલા AC ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા પછી એક પછી એક 10થી વધુ વિસ્ફોટો થયા, જેના કારણે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો. આ દુર્ઘટનામાં એક સર્ગભા મહિલા અને તેના નાના પુત્રનું મોત થયું, જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ફોરેન્સિક ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી અને સેમ્પલ એકત્રિત કર્યા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે આગનું કારણ સ્પાર્ક અથવા ગેસ લીકેજ હોઈ શકે છે, કારણ કે ઘરમાં 1300થી વધુ બ્યુટેન ગેસના કેન સંગ્રહાયેલા હતા.

આગ લાગ્યાના થોડા કલાકો બાદ ફાયર બ્રિગેડે સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાત્રે ફરીથી પડોશી મકાનમાં આગની જ્વાળાઓ દેખાતાં ફાયર ટીમને પાછી બોલાવવી પડી. આ વિસ્ફોટોની અસર એટલી ભયાનક હતી કે આજુબાજુના મકાનો અને વાહનો પણ બળીને ખાક થઈ ગયા. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભય અને અરાજકતા ફેલાવી દીધી. જાણકારી મુજબ, આ ઘટના એક રહેણાક મકાનમાં ગેરકાયદે રીતે ચાલતા AC ગોડાઉનમાં બની. આગની જ્વાળાઓએ આસપાસના વાહનોને પણ નષ્ટ કરી દીધા. આ ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી પણ સામે આવી છે, કારણ કે આવા ગેરકાયદે ગોડાઉન પર અગાઉ કોઈ પગલાં લેવાયા ન હતા.

નોંધનીય છે કે રહેણાક સોસાયટી હોવા છતાં મકાનમાં ACનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું. સોસાયટીના ચેરમેને આ મુદ્દે માર્ચ મહિનામાં જ ફરિયાદ કરી હતી. પરંતુ તંત્રના અધિકારીએ તેની કોઈ નોંધ લીધી ન હતી. જગદીશ મેઘાણી અને કર્તવ્ય મેઘાણી આ મકાનમાં ગોડાઉન ચલાવી રહ્યા હતા. જીવરાજ પાર્ક સ્થિત જ્ઞાનદા સોસાયટીમાં ગેરકાયદે ગોડાઉનમાં આગની લાગવાની શક્યતા સ્થાનિક લોકોએ અગાઉ વ્યક્ત કરીને કૉર્પોરેશનને જાણ કરી હતી. પરંતુ, જવાબદાર અધિકારીએ બેદરકારી દાખવી જેના કારણે આ ગેરકાયદે ગોડાઉનની ચિંગારી આગ બની ફૂટી છે. જ્યારે સામે પક્ષે પોલીસે પણ આસવાસ આપ્યું છે કે જવાબદાર અધિકારીઓ સામે એક્શન લેવાશે.

ગરમીની મોસમમાં એસી રિપેરિંગ અને સર્વિસનું કામ ગુજરાતભરમાં જોરશોરથી ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ઘણી જગ્યાએ ફાયર સેફ્ટીના નિયમોની અવગણના કરીને ગોડાઉનો બનાવવામાં આવ્યા છે. જ્ઞાનદા સોસાયટીમાં બનેલી આ ઘટના એક ઉદાહરણ છે, જે દર્શાવે છે કે આવા ગેરકાયદે ગોડાઉનો ભવિષ્યમાં પણ મોટી આગનું કારણ બની શકે છે. આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે, જેથી આવી દુર્ઘટનાઓ ટળી શકે.