રાજકોટઃ શહેરમાં એક મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતાં અરેરાટી વ્યાપી છે. જો કે કયા કારણોસર આ બંનેએ આપઘાત કર્યો છે તે મામલે ચોક્કસ વિગતો કે કારણ હજી સુધી સામે આવ્યાં નથી. પરંતુ પ્રાથમિક રીતે પ્રેમ પ્રકરણમાં બંનેએ આપઘાત કરી લીધાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટનાં નવા 150 ફૂટ રોડ આવેલા પંડિત દીનદયાળનગરમાં એએસઆઈ ખુશ્બૂ રાજેશભાઇ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો છે. તેમણે ગુરુવારે સવારે આપઘાત કર્યાનું માનવામાં આવી રહ્યું છે. રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતાં હતાં અને ખુશ્બુબહેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. 402માં રહેતાં હતાં.
પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. હજી સુધી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી. ખુશ્બૂ અને રવિરાજસિંહનાં પરિવારજનો અને મિત્રોને જાણ થતાં ઘટનસ્થળે આવી પહોંચ્યાં હતાં. પરિવારમાં દુઃખની લાગણી છવાઇ ગઇ છે. ખુશ્બૂ અને રવિરાજસિંહનાં મૃતદેહો પાસેથી રિવોલ્વર મળી આવી છે, જેનાથી માનવામાં આવી રહ્યું છે કે તેમણે રિવોલ્વરથી જ આપઘાત કરી લીધો છે. મૃતક બંને રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સાથે કામ કરતાં હતાં. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની વિધિ સંપન્ન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.