ગુજરાતમાં લલનીનોના કારણે ભારેથી અતિભારે વરસાદ નોંધાય રહ્યો છે. ભારે વરસાદને પગલે ગુજરાતમાં જનજીવન અસ્થવ્યસ્થ થતું જોવા મળ્યું છે. તો ક્યાંક તબાહીના દ્રશ્યો પણ સામે આવ્ય હતા. ત્યારે અતિવૃષ્ટિના કહેરને કારણે મોઢામાં પાસે આવેલો કોળિયો છીનવાઇ જવા જેવી પરિસ્થિતી ખેડૂતોની થઈ છે. એક અંદાજ પ્રમાણે ખેતરોમાં પાણીમાં ભરાવાના કારણે લગભગ ચાર હજાર ગામડાઓમાં મોટા પ્રમાણમાં પાક નુકસાની થઈ છે. એટલું જ નહી, જમીનો ધોવાઇ જતાં ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે. આ પરિસ્થિતી વચ્ચે લાચાર ખેડૂતોએ વહેલી તકે સરકાર સહાય આપે તેવી માંગ કરી છે.
વાતાવરણની પરિસ્થિતિ બદલાતા રાજ્યમાં વરસાદની પડવાની સિસ્ટમમાં પણ બદલાવ આવ્યો છે. મેઘરાજાના બદલાયેલા મિજાજને કારણે ગુજરાતમાં હાલ 100 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે. આગામી સમયમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય પર થતી મેઘ ‘કહેર’ વચ્ચે મોંઘા બિયારણ, જંતુનાશક દવા ઉપરાંત ખેતમજૂરી બાદ અથાગ મહેનત પછી ઉભા થયેલાં પાકને વરસાદે નિષ્ફળ બનાવી દીધો છે. પરિણામે અન્નદાતા પર મોટી આફત આવી પડી છે.
સૂત્ર પાસેથી મળેલી પ્રાથમીક માહિતી પ્રમાણે ગુજરાતમાં ભાર વરસાદે ચાર હજાર ગામોમાં ખેતીને નુકસાન પહોચાડ્યુ છે. ખેતરોમાં ધુંટણસમા વરસાદી પાણી ભરાતાં ઉભા પાકો ધોવાયા છે. ખાસ કરીને આ વખતે મગફળી અને કપાસનુ બમ્પર વાવેતર થયુ હતું ત્યારે આફતના વરસાદે ગુજરાતમાં વિનાશ વેર્યો છે. મગફળી, કપાસ, શેરડી, ડાંગર અને શાકભાજી સહિતના પાકોને નુકશાની થયાનો અંદાજ છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સૌથી વઘુ અસરગ્રસ્ત છે. મહત્વની વાત તો એ છે કે, ખેતીને તો નુકસાન પહોંચ્યું પણ સાથે સાથે વરસાદી પાણીને કારણે ખેતીની જમીનોનું પણ મોટાપાયે ધોવાણ થયુ છે. જમીનને નુકસાન થતાં આગામી સિઝનમાં ખેતી કરવાના મામલે પણ સવાલ ઉભો થયો છે. હજુય ઘણાં વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી યથાવત છે.
ઉલ્લેખનીય છે કે કૃષિ વિભાગની ટીમો સર્વેની કામગીરી કરી છે. ખેડૂતોનું કહેવુ છે કે, નુકસાનીનો અંદાજ મેળવવા માટેની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. સર્વેના રિપોર્ટ આધારે રાહત પેકેજને આખરી ઓપ આપવામાં આવશે. આ ઉપરાંત નિયમાનુસાર ખેડૂતોને સહાય આપવાની સાથે સાથે જમીન ધોવાણ માટે પણ સહાય મળે તેવી વિચારણા છે. એવું જાણવા મળ્યુ છે કે, ઓક્ટોબરના બીજા સપ્તાહમાં રાજ્ય સરકાર ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર કરી શકે છે.
