સુરત: સરથાણા તક્ષશિલા નજીક સૂર્યા એપાર્ટમેન્ટમાં શુક્રવારની સવારે સ્મિત લાભુભાઈ ગોયાણી નામના યુવાને એના માતા-પિતા, પત્ની અને પુત્રને ચપ્પુના ઘા ઝીંક્યા બાદ પોતાના ગળા અને હાથ પર પણ ચપ્પાના ઘા માર્યા હતા. આ ઘટનામાં યુવાનની પત્ની અને પુત્રનું મોત નીપજ્યું હતું. જયારે યુવાન તથા એના માતા-પિતાની હાલત ગંભીર છે. ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં માતા ઘરની બહાર આવી ગયાં હતાં અને આજુબાજુના લોકોને જાણ કરી હતી. ત્યાર બાદ પિતા પણ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં ઊભા છે.
સ્મિત લાભુભાઈ ગોયાણીએ આજે સવારે અલગ રૂમમાં સુતેલી પત્ની અને પુત્ર તેમજ માતા-પિતા ઉપર ઘરના રસોડામાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરી બાદમાં ‘હું એકલો થઈ ગયો મારુ કોઈ નથી’ તેમ કહી પોતાના ગળા અને હાથ ઉપર પણ ચપ્પુ ફેરવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિકો દ્વારા તમામ ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતાં. જેમાં ડોક્ટરોએ સ્મિતની પત્ની અને પુત્રને મૃત જાહેર કર્યા હતા. જયારે સ્મિત અને તેના માતા-પિતાની હાલત ગંભીર બતાવાઈ છે.
બનાવની જાણ થતા દોડી ગયેલી સરથાણા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્મિતના મોટા પપ્પાનું સાત દિવસ અગાઉ અવસાન થયું હતું અને પરિવાર ત્યાં બેસવા ગયો હતો. ત્યાં તેના પિતરાઈ ભાઈએ મનદુઃખને લીધે હવે નહીં આવવા કહેતા સ્મિતને લાગી આવ્યું હતું જેથી આજે સવારે તેણે પરિવાર ઉપર જીવલેણ હુમલો કરી પોતાની જાતને પણ ચપ્પાના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
એસીપી વિપુલ પટેલે કહ્યું કે, સવારે સરથાણા પોલીસ સ્ટેશન નજીક રાજહંસ સ્વપ્ન સૃષ્ટિ બંગ્લોઝ સોસાયટીમાં સૂર્યા ફ્લેટની અંદર 8માં માળે એક વ્યક્તિએ પોતાને તથા પોતાના પરિવારને ઈજા પહોંચાડી હોવાનો કોલ મળતા તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં તપાસ કરતા ખબર પડી કે, ઘર નં.804માં રહેતા સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ તથા માતા વિલાસબેન, પત્ની હિરલબેન, પુત્ર ચાહત અને પોતાને પણ ઇજા પહોંચાડી હતી. જેમાં તેનાં પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે તેનાં માતા-પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.