અંડરપાસની રાહમાં ગરનાળે તકલીફો વેઠી રહેલા અમદાવાદીઓ

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા વિસ્તારને જોડતાં ગરનાળાનું કામ ખોરંભે ચઢ્યું છે. બે વિસ્તારોને જોડતા આ નાનકડા ગરનાળામાં વરસાદનું થોડું પાણી પડતાની સાથે જ માર્ગ બંધ થઇ જાય છે. વરસાદના પાણીના નિકાલ માટે AMC દ્વારા મશીન મુકવામાં આવે છે.

પશ્ચિમ અમદાવાદનો સૌથી ઝડપી વિકાસ થઇ રહેલા એસ.જી. હાઇવેને અડીને આવેલા ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા વિસ્તારને જોડતું રેલવેનું એક ગરનાળું આવેલું છે. આ વિસ્તારો સરળતાથી જવા માટે આ નાનકડું ગરનાળું ટ્રાફિકનો મોટો ભાર વેઠી રહ્યું છે. વહેલી સવારથી મોડી રાત સુધી હજારોની સંખ્યામાં લોકો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં અવરજવર કરે છે.

આ વિસ્તારોની વધતી વિશાળતા, વધતાં વાહન વ્યવહારને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. એમાંય ચોમાસામાં રેલવેનું ગરનાળું ભરાઈ જતાં હજારો વાહનચાલકોને ત્રણથી ચાર કિલોમીટરની વધારાની મજલ કાપવી પડે છે. સૌથી મહત્વની વાત એ છે કે એકદમ બાજુમાં જ એક નાનો અંડરપાસ છેલ્લા બે વર્ષ કરતાંય વધારે સમયથી તૈયાર થઈ રહ્યો છે.

આ વિસ્તારમાંથી પસાર થતા લોકો કાગડોળે આ અંડરપાસ તૈયાર થવાની રાહ જોઈ રહ્યા છે. પહેલેથી જ ધીમી ગતિએ ચાલતા કામ પર કોરોના કાળ અને વરસાદનું ગ્રહણ લાગી ગયું છે. વરસાદના પાણી ભરાયેલા નાનકડાં ગરનાળામાંથી પસાર થતાં હજારો લોકો નવું ગરનાળું ક્યારે બનશે અને ખુલશે એની રાહ જોઈ રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગની ધીમી કામગીરી અને સંયોજનના અભાવે દરરોજ આ હજારો વાહનચાલકો હેરાન થઇ રહ્યાં છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]