રાજ્યની આઠ નગરપાલિકાના ગેરનાણાકીય વ્યવહારો ઝડપાયા

અમદાવાદઃ રાજ્યની નગરપાલિકાઓ અને પાલિકાઓના વહીવટમાં મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. રાજ્ય રાજ્યની આઠ પાલિકાના વહીવટમાં રૂ. 18.50 કરોડની ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો થયો છે. નગરપાલિકાઓના ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે.

રાજ્યની આઠ પાલિકાઓના કર્મચારીઓએ સક્ષમ અધિકારીઓની સહી કર્યા વિના રૂ. 18.50 કરોડના વાઉચર્સ પાસ કરી તેમનાં ખિસ્સાં ભરી લીધા છે. આ ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગઢડામાં રૂ. પાંચ લાખ અને વલ્લભીપુરમાં રૂ. આઠ લાખની સિલક જમા થઈ નથી. કોડીનારમાં આવકનાં નાણાં વિલંબથી જમા કરી રૂ. 5.87 લાખની ઉચાપત કરવામાં આવી છે. શિહોર પાલિકામાં રૂ. 15000ના વેરાની આવક જમા થઈ નથી.આમ આશરે કુલ રૂ. 18 કરોડના ગેરકાયદે નાણાકીય વ્યવહારો થયા છે.

આ સાથે ઉનામાં બેંકમાં જમા કરાવેલા રૂ. 40,000ના ડ્રાફ્ટ પાલિકાના બેંકના ખાતામાં જમા થયા નથી. આ સાથે સફાઈ વેરાની રૂ.  35000ની રકમ રજિસ્ટ્રાર અને કેશબુકમાં જમા કરાવવામાં નથી આવી. સિટી બસની ટિકિટના 1.56 લાખ ઉઠાવી લેવામાં આવ્યા છે. સફાઈ દંડના 4200 રૂપિયાની ઉચાપત, આ સાથે ઉનામાં બિલની ચૂકવવા પાત્ર રૂ. 86,000ની રકમ પાર્ટીને નહિ, પરંતુ થર્ડ પાર્ટીને ચૂકવી દેવામાં આવી છે.

આ સાથે લાઠીમાં ઉઘરાવેલા વેરાના રૂ. 5000 જમા કરાયા નથી. બાંટવામાં વ્યવસાય વેરો અને લાઇબ્રેરીના રૂ. 24000 જમા થયા નથી, ધાંગ્રધામાં બીયુ પરમિશનની રૂ. 10.41 લાખની ફી જમા કરાવવામાં નથી આવી. કોડીનારમાં 9.58 લાખના કરવેરાની રકમની ઉચાપત થઈ છે, નડિયાદમાં વિના વાઉચરે રૂ. 3.57 કરોડનો ખર્ચ કરી અનિયમિતતા આચરવામાં આવી છે અને મહેમદાવાદમાં વાઉચર્સ બનાવ્યા વિના 37.14 લાખની ઉચાપત કરવામાં આવી છે.

આ સાથે અનેક જગ્યાઓ પરથી નાણાં ઉઘરાવ્યાં, પણ તેને સરકારમાં જમા કરાવ્યા જ નથી. 15 પાલિકાઓમાં તો કામદારોને પણ છોડાયા નથી. તેમના હિસાબોમાં પણ ગરબડ ગોટાળા અને મોટા પાયે ઉચાપત થઈ છે.