સુરત જિલ્લાના માંગરોળમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જે ગ્રીષ્માકાંડની યાદ અપાવે છે. ચાર દિવસ પહેલા બોરિયા ગામમાં એક કોલેજીયન યુવતીના પ્રેમીએ ચપ્પુ વડે ગળા અને શરીર પર ઘા મારી હત્યા કરી હતી. ત્યારબાદ, પ્રેમીએ પોતાને પણ ચપ્પુના ઘા મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હત્યા કર્યા બાદ જખમી થયા બાદ પ્રેમી સુરેશ જોગીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ENT સહિતના ડોકટરોની ટીમે તેની સર્જરી કરી અને ગળા પર 40 ટાંકા લઈને તેનો જીવ બચાવ્યો હતો.
આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મોટા ખુલ્લાસા થયા છે. સુરેશ આ કૃત્ય પહેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે યુવતી સાથે બ્રેકઅપ અંગેની વાતચીત કરી રહ્યો છે. યુવતીએ પ્રેમીને સોશિયલ મીડિયામાં બ્લોક કરી દીધો હતો અને અન્ય યુવક સાથેની તસવીર પ્રોફાઈલમાં મૂકતા પ્રેમી ગુસ્સે ભરાયો હતો. સુરેશને વીડિયોમાં જણાવ્યું હતું કે તેની સગાઈ થઇ ગઈ છે’, વધુમાં સુરેશે કહ્યું કે ‘ એ મારી નહીં તો તને બીજાની નહી થવા દઉં’. આ વીડિયો તેની હત્યાના થોડા સમય પહેલા બનાવાયો હોવાનું અનુમાન છે.
