iCreateએ વિકસાવ્યું હવામાંના વાઈરસને નાશ કરતું ઉપકરણ

અમદાવાદઃ લોકડાઉન પછી જાહેરજીવનને સામાન્ય જીવનશૈલી તરીકે પાછું કેવી રીતે લાવી શકાય? તમારા અને મારા જેવા સામાન્ય લોકોને કેવી રીતે વિશ્વાસમાં લઈ શકાય કે બહાર જવું અને કામ કરવું સલામત છે. સેન્ટર ફોર ડિસીઝ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના તાજેરતના સંશોધન દ્વારા પુષ્ટિ થઈ છે કે કોવિડ-19 હવામાં રહેલાં ટીપાં અને સૂક્ષ્મ કણો દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં સૌથી અસરકારક રીતે ફેલાય છે. જેથી બે ગજની દૂરી (સોશિયલ ડિસ્ટન્સિંગ) બહુ જરૂરી છે. આ ઉપરાંત ઘરે કે ઓફિસમાં હવામાંના વાઇરસનો કેવી રીતે આપણે નાશ કરી શકીએ. આ સવાલ દરેકના મનમાં ઉદભવતો હશે, જેનો જવાબ iCreateએ ટેક્નોલોજી સંબંધિત ઇનોવેશન કરીને આપ્યો છે. વડા પ્રધાનની નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સહાયથી iCreateને ટેક ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ્સ માટેની દેશની સૌથી મોટી સંસ્થા બનવામાં મદદ મળી છે.

iCreateના યુવા વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું અનોખું સ્પેસ સેનિટાઇઝર 

iCreate સાહસિકતા અને ટેક્નોલોજીનો સમન્વય ધરાવતું વર્લ્ડ ક્લાસ સેન્ટર છે. કોરોના મહામારીની વિકટ સ્થિતિમાં iCreate સંસ્થાના યુવા વૈજ્ઞાનિક આશિષ કનોજિયા, નવનીત પાલ અને અંકિત શર્માએ  પ્રોજેકટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ દ્વારા ૧૨ x ૧૫ ફૂટનો રૂમ માત્ર એક કલાકમાં જ વાઇરસ રહિત થઈ જશે તેવો તેમણે દાવો કર્યો છે. સંસ્થા તરફથી ઉપલબ્ધ માહિતી અનુસાર જો ડ્રોપલેટ્સ હવામાં તરતા હોય તો ચેપ લાગવાની માત્રા અત્યંત ઝડપી બની જાય છે, ત્યારે આ વૈજ્ઞાનિકોએ હવામાંના નકારાત્મક આયનોની મદદથી વાયરસને દૂર કરતું ઉપકરણ વિકસાવ્યું છે.

iCreate એ અનેક ક્ષેત્રોના પ્રોજેક્ટોને સપોર્ટ કર્યો

છેલ્લાં કેટલાંક વર્ષોમાં iCreateએ અનેક ક્ષેત્રોના પ્રોજેક્ટોને ટેકો પૂરો પાડ્યો છે, પણ આ કોવિડ-19 રોગચાળાના પ્રારંભના દિવસોમાં અમે દેશને કઈ રીતે મદદ કરી શકીએ, જેથી અર્થતંત્ર ઝડપથી ફરી પાટે ચઢે. અમે એના માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો, એમ iCreateના CEO અનુપમ જલોટેએ કહ્યું હતું.

 ૧૨x૧૫ ફૂટનો રૂમ જંતુરહિત થશે

આ ઉપકરણ એ બલ્બહોલ્ડરમાં મૂકીને સામાન્યમાં સામાન્ય માણસ પણ ઉપયોગમાં લઈ શકશે. એટલું જ નહીં, પરંતુ લોકો રોજબરોજની જિંદગીમાં પણ તેનો સાહજિકતાથી ઉપયોગ કરી શકશે. માત્ર એક કલાકમાં જ ૧૨x૧૫ ફૂટનો રૂમ જંતુરહિત થઈ શકશે. વળી, આમાં માત્ર પાંચ વોટ વીજળીનો જ વપરાશ થશે. આ ઉપકરણ સમગ્ર પરિવારના સભ્યોને વાઇરસના ચેપથી મુક્ત રાખી શકશે.  આ ઉપકરણ 24 કલાક વાપરી શકાશે અને એની કોઈ આડઅસર નથી. તેને મેઇનટેનન્સ કે રિફિલ કરવાની પણ જરૂર નથી.

સેફ્ટી, ગ્લાસિસ, ફેસ શિલ્ડ્સ અને PPE કિટ પણ વિકસાવી

હાલ કોવિડ-19ના રોગચાળા સામે સૌથી મોટી જરૂરિયાત ઊંચી ગુણવત્તાવાળા અને નીચી કિંમત ધરાવતા સુરક્ષિત સાધનો-PPEની છે. જેથી iCreateના પ્રમોટર અભિજિત કુમારે અને તેમની ટીમે ખૂબ ઓછી કિંમતે 95 ગ્રેડ સોલ્ટ કોટેડ માસ્ક, સેફ્ટી ગ્લાસિસ, ફેસ શિલ્ડ્સ અને PPE કિટ્સ પણ વિકસાવી છે. સંસ્થાએ 30,000 PPE કિટની મુંબઈ, નાગપુર, બેંગલુરુ, નાશિક, પટના, પુણે અને હૈદરાબાદમાં પહોંચાડી છે.

iCreateના CEO અનુપમ જલોટેએ જણાવ્યું છે કે આ અમારા માટે એક ગર્વની વાત છે કે સમયની માગને પારખીને iCreateની ટીમે ચીજવસ્તુને જંતુમુક્ત કરતું એક અત્યાધુનિક ઉપકરણ વિકસાવ્યા બાદ હવામાંના વાઇરસને નાશ કરી શકે તેવું ઉપકરણ વિકસાવ્યું છે.

iCreate એક સ્વાયત્ત સંસ્થા

iCreate  અમદાવાદના દેવ ધોલેરા ખાતે ૪૦ એકરના પરિસરમાં કાર્યરત રાજ્ય સરકારના હસ્તકની એક સ્વાયત્ત સંસ્થા છે. જે અવનવાં સંશોધનો કરી ટેક્નોલોજી વિકસિત કરે છે. આંતરરાષ્ટ્રીય સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી એ એક્સેલન્સનું સ્વાયત્ત કેન્દ્ર છે. આ કેન્દ્ર અમદાવાદની હદમાં ૪૦ એકરના કેમ્પસમાં પથરાયેલું છે. આ કેન્દ્રમાં એકસાથે 100 ઇન્ક્યુબેટ્સ કામ કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત iCreate  જે ઊભરતા ઉદ્યોગ સાહસિકોની પ્રતિભાને ઓળખી તેને યોગ્ય માર્ગદર્શન દ્વારા ઉદ્યોગસાહસિક સફર દરમિયાન તેમને જરૂરી તમામ સહાય પૂરી પાડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]