મુંબઈ અને અમદાવાદનાં લોકો આ બંને શહેર વચ્ચે દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ બુલેટ ટ્રેન યોજના માટે ભારત સરકારને જાપાનની સરકારનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આ બહુપ્રતિક્ષિત મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન) યોજનામાં સાબરમતી એચએસઆર (હાઈ-સ્પીડ રેલ) ટર્મિનલ સ્ટેશન હશે. ભારતીય રેલવે, રેલવે મંત્રાલયની પેટાકંપની નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ સાબરમતી એચએસઆરને એક મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબના રૂપમાં વિકસિત કરવાનું નક્કી કર્યું છે. આ એચએસઆર લાઈનને ભારતીય રેલવે, મેટ્રો સ્ટેશન બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) સાથે જોડી દેવામાં આવશે.
સાબરમતી એચએસઆર સ્ટેશનની આસપાસ વિવિધ ટ્રાન્સપોર્ટ સાધનો વચ્ચે નિરંતર કનેક્ટિવિટી અને એકીકરણ જળવાઈ રહે એ માટે આ સ્ટેશનની પૂર્વ બાજુએ એક મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ ભવન બનાવવાની યોજના છે. તેમાં ત્રણ ફૂટઓવર બ્રિજ (એફઓબી) છે, જે ટ્રાવેલેટર (પ્રવાસીઓ અને લગેજ માટે એરપોર્ટ પર હોય છે એવો ઘૂમતો પથ)થી સુસજ્જ હશે. આ એફઓબી હબ બિલ્ડિંગને સાબરમતી એચએસઆર સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેન્ડ સાથે જોડશે.
બુલેટ ટ્રેન યોજના સાથે સંકળાયેલા તમામ હિતધારકોની ભલામણથી સાબરમતી એચએસઆર સ્ટેશન માટે એક મલ્ટીમોડલ એકીકરણ યોજના ઘડવામાં આવી હતી અને જરૂરી ડિઝાઈન પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમ કે, રસ્તાઓને પહોળા કરવા, રોડ ભૂમિતિ અને જંક્શનોને નવું સ્વરૂપ આપવા, ટેબલ ટોપ રાહદારી ક્રોસિંગ વગેરે.
સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગની વિશેષતાઓ જાણી લોઃ
- હબ બિલ્ડિંગનું નિર્માણ ટ્વિન સ્ટ્રક્ચરના રૂપમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં ઓફિસો, કમર્શિયલ હેતુઓ માટેની તેમજ પ્રવાસીઓ માટે ઉપયોગી થાય એવી રીટેલ દુકાનો માટે જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે.
પ્રસ્તાવિત હબ બિલ્ડિંગ HSR સ્ટેશન, પશ્ચિમ રેલવે સ્ટેશનોની બંને તરફ, મેટ્રો સ્ટેશન તથા બીઆરટીએસને એફઓબીથી કનેક્ટ કરશે.
એફઓબીનું વર્ણન નીચે મુજબ છેઃ
– એફઓબી-1 હબ બિલ્ડિંગને સાબરમતી (મીટર ગેજ) રેલવે સ્ટેશન અને એચએસઆર સ્ટેશનોને જોડે છે. પ્રવાસીઓની સુવિધા માટે એફઓબીમાં ટ્રાવેલેટર બેસાડવામાં આવશે.
– એફઓબી-2 હબ બિલ્ડિંગને એઈસી મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેન્ડને જોડે છે.
– એફઓબી-3 એચએસઆર સ્ટેશનને સાબરમતી બ્રોડ ગેજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સાથે જોડે છે.
- હબ બિલ્ડિંગ સુધી સહેલાઈથી પહોંચવા માટે ખાનગી કારો, ટેક્સીઓ, બસો, ઓટોરિક્ષાઓ, ટુ-વ્હીલર્સ માટે પર્યાપ્ત પાર્કિંગ જગ્યા ઉપરાંત ડેડિકેટેડ પિકઅપ અને ડ્રોપ-ઓફ બૅ બનાવવામાં આવી રહ્યા છે. આ સુવિધા એચએસઆર સ્ટેશનના પ્રભાવિત વિસ્તારમાં પ્રવાસીઓ અને ટ્રાફિકની અવરજવર સરળ બની રહે તેવા પ્રકારની હશે.
- પાર્કિંગ સ્પેસમાં 1,300 વાહનો માટે પિક એન્ડ ડ્રોપ સુવિધા હશે.
- કોનકોર્સ લેવલ પર પ્રવાસીઓ માટે આ સુવિધાઓ ઉપલબ્ધ હશેઃ ફૂડ કોર્ટ, રીટેલ દુકાનો, પ્રોવિઝન સ્ટોર્સ, લિફ્ટ/એસ્કેલેટર્સ, રેસ્ટરૂમ્સ.
- હબ બિલ્ડિંગમાં પ્રવાસીઓ માટે એક સમર્પિત કોનકોર્સ ફ્લોર (ત્રીજા માળના સ્તરે) છે, જેમાં પ્રતીક્ષા એરિયા, રીટેલ દુકાનો અને રેસ્ટોરન્ટ જેવી અન્ય સુવિધા હશે.
- કોનકોર્સ ફ્લોરની ઉપરના બિલ્ડિંગ બ્લોક્સને બ્લોક-A અને બ્લોક-B એમ બે અલગ બ્લોક્સમાં વિભાજીત કરવામાં આવી રહ્યા છે. જેમાં ઈન્ટરકનેક્ટિંગ ટેરેસ હશે.
- ભારતીય રેલવે અને એચએસઆર વચ્ચે પ્રવાસીઓના આદાન-પ્રદાનન માટે હબ કોનકોર્સમાં ભારતીય રેલવે માટે ટિકિટ કાઉન્ટરની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
- દાંડી માર્ચ મ્યુરલઃ સાબરમતીના ઐતિહાસિક સંદર્ભનું સમ્માન કરવા માટે, આ ઈમારતના દક્ષિણી અગ્રભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન વખતે આદરેલા પ્રસિદ્ધ દાંડી કૂચ આંદોલનને દર્શાવતું સ્ટેનલેસ સ્ટીલનું એક મોટું મ્યૂરલ બનાવવામાં આવી રહ્યું છે.
- ગ્રીન બિલ્ડિંગની વિશેષતાઓઃ હબ બિલ્ડિંગને વિવિધ ગ્રીન બિલ્ડિંગ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. એમાં છતો પર સોલર પેનલોની જોગવાઈ છે, વ્યાપક લેન્ડસ્કેપ ટેરેસ અને ઉદ્યાન છે, સક્ષમ જળ ફિક્સ્ચર્સ, ઊર્જા સક્ષમ એર કન્ડિશનિંગ અને પ્રકાશ ફિક્સ્ચર્સનો સમાવેશ થાય છે. સમગ્ર ઈમારતમાં કુદરતી પ્રકાશ પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે અને આસપાસનાં દ્રશ્યો પણ જોઈ શકાશે.
વડા પ્રધાન મોદી આવતી 5 જૂને સુરતની મુલાકાતે આવવાના છે. ત્યારે તેઓ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાની કામગીરીઓમાં પ્રગતિનું નિરીક્ષણ કરશે. તેઓ અંત્રોલીમાં બુલેટ ટ્રેનની કામગીરી નિહાળશે. બુલેટ ટ્રેન સૌથી પહેલાં બિલીમોરા-અંત્રોલી વચ્ચે દોડશે, વર્ષ 2026માં દેશની પ્રથમ બુલેટ ટ્રેનને દોડાવવાનું છે આયોજન છે.