સુરત: અડાજણ વિસ્તારમાં ફરી એક ગમખ્વાર અકસ્માત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે. ત્યારે ફરી એક વખત અડાજણ વિસ્તારમાં 16 ડિસેમ્બરના વહેલી સવારે ત્રણ મિત્રો ચા પીવા નીકળ્યા હતા. ત્રિપલ સવારી પૂરઝડપે સ્પોર્ટ બાઇક લઇને નીકળેલા મિત્રોએ એક કારને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકનો કચ્ચરખાણ વળી ગયો હતો અને બાઇક ચાલક 30 ફૂટ હવામાં ફંગોળાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અડાજણમાં વહેલી સવારે ત્રણ મિત્રો ચા પીવા માટે સ્પોર્ટ બાઇક લઇને નીકળ્યા હતા. ત્યારે રસ્તો ક્રોસ કરી રહેલી કાર સાથે ધડાકાભેર બાઇક ટકરાઇ હતી. આ અકસ્માતમાં બાઇકનો ભુક્કો વળી ગયો હતો અને ત્રણેય યુવકોને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કાર રસ્તો ક્રોસ કરી રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી બાઇક કાર સાથે ટકરાય છે. ઉલ્લેખનીય છે કે બાઇક સવાર હવામાં 30 ફૂટ સુધી ઉછળીને પટકાયો હતો. જ્યારે અન્ય બે જણા ત્યાં જ રસ્તા પર પટકાય છે.
ત્યારબાદ આસપાસમાંથી લોકોની દોડી આવે છે. યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આ અકસ્માતમાં બાઇક સવાર અંતિમ ગુપ્તાને માથાના ભાગમાં 22 ટાંકા આવ્યા છે, આ ઉપરાંત આંખના ભાગે, હાથ-પગ પર ઈજાઓ પહોંચી છે. જ્યાર અન્ય બે યુવકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.