અમદાવાદઃ દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યના અમદાવાદ અને બોટાદ જિલ્લાઓમાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 18 જણનું મરણ નિપજવાની ઘટનાની તપાસમાં ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ છે. ઝેરી દારૂ પીવાથી બીમાર પડી ગયેલા બીજા 20 જણને જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. એમાંના કેટલાંકની હાલત ગંભીર છે. પોલીસે આ લઠ્ઠાકાંડ પ્રકરણમાં અત્યાર સુધીમાં અમુક જણને અટકમાં લીધા છે.
બોટાદના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ કરણરાજ વાઘેલાએ કહ્યું કે, મળેલી માહિતી અનુસાર, મૃતકો બોટાદ જિલ્લાના બરવાળા ગામના તથા અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકાના ગામોનાં છે. 20 જણને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મોટા ભાગનાં લોકોને ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એમાંના કેટલાકની હાલત ગંભીર છે. એમણે વધુમાં કહ્યું કે, પોલીસે કેટલીક વ્યક્તિઓને પૂછપરછ માટે અટકમાં લીધી છે. જરૂર જણાશે તો પોલીસ હત્યાનો ચાર્જ પણ લગાડશે. ગુનેગારોને પકડવા માટે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટૂકડીઓ પણ અમારી તપાસમાં સામેલ થઈ છે.
ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું છે કે પોલીસે બોટાદ જિલ્લાના ત્રણ જણને અટકાયતમાં લીધા છે જેઓ ઝેરી દેશી દારૂ બનાવવા અને વેચવામાં સંડોવાયા હોવાનું મનાય છે.
