અમદાવાદઃ લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી, આ પર્વમાં સારા નેતાને ચૂંટવા માટે મતદાન મથક સુધી લોકો પહોંચે એ માટે ચારે તરફથી પ્રયાસો થાય છે. લોકોને મતદાન મથક સુધી મત આપવા માટે પહોંચે એ માટે રાજકીય પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ અથાગ પ્રયત્નો કરે છે. આ સાથે ચૂંટણી પંચ પણ જિલ્લા, તાલુકા, ગામડાંમાં વિવિધ કાર્યક્રમો, માધ્યમો દ્વારા મતદારો મતદાન મથક સુધી પહોંચે એવા પ્રયાસ કરે છે.
11 એપ્રિલ, ગુરુવારની સવારે અમદાવાદ મેેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો. જેમાં જે મતદારોને સો વર્ષની ઉંમર થઇ ગઇ હોય એવા મતદારોનું સન્માન કરવામાં આવ્યુ. શતાયુ મતદાર સન્માન સમારોહનો આ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો. ખીચો ખીચ ભરેલા સભાખંડમાં કલેકટર વિક્રાંત પાંડે, ચૂંટણી અધિકારીઓએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે , જો સો વર્ષની ઉંમરે આ મતદારો આટલો ઉત્સાહ બતાવી શકે તો સૌ કોઇ એ મતદાન અવશ્ય કરવું જોઇએ.
આ વયથી વૃધ્ધ થયેલા લોકો આપણી ધરોહર છે. લોકશાહીને ટકાવી રાખવા અવશ્ય સમય આપી મતદાન કરવું એ સૌ વયજૂથના લોકોની ફરજ છે. શતાયુ મતદારોના સન્માન બાદ સૌ મતદાન કરે એ માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓએ કેવી રીતે મતદાન કરવામાં આવે છે. એના નિદર્શન માટે એ એમ એના પ્રાંગણમાં વીવીપેટ, મશીન, મતદાન કરવા માટેનું ડેમો મશીન મુક્યું હતું. મતદાન કેવી રીતે થાય એ માટે સૌ મુલાકાતીઓને માહિતગાર કર્યા હતા. મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં અમદાવાદ કલેક્ટર કચેરી, માહિતી ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં અંદાજે 700 જેટલા મતદારોને આમંત્રિત કર્યા હતા અને 100 જેટલા શતાયું મતદારો જોડાયા હતા. અમદાવાદ જિલ્લાના શતાયુ મતદારો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બાબુભાઈ પટેલ નામના એક વડીલે કહ્યું કે પહેલા જ્યારે મતદાન કરતા હતા અને અત્યારે જ્યારે મતદાન કરીએ છીએ તેમાં ઘણો ફેર છે. પહેલા મતદાન પ્રત્યે લોકોમાં આટલી જાગૃતતા નહોતી જ્યારે અત્યારે લોકો મતદાન પ્રત્યે જાગૃત થયા છે. તેમણે જણાવ્યું કે અમારે અમારા કામ કરે તેવી સરકાર જોઈએ છીએ. પહેલા અમે વોટ આપતા હતા અને અત્યારે વોટ આપીએ છીએ તેમાં તફાવત એ છે કે અત્યારે ઈવીએમ મશીન આવી ગયા છે એટલે એક બટન દબાવીને જ પોતાનો વોટ અંકિત કરવાનો હોય છે અને તેમાં ગેરરિતીની પણ શક્યતા નથી રહેતી.
(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ અને હાર્દિક વ્યાસ)