સમગ્ર દેશમાં આજે તુલસી વિવાહની ઉજવણી થઇ રહી છે. અહીં આપણે વાત કરીએ એક જુદા જ તુલસી વિવાહની. જી હી, આ વાત છે વડોદરાના તુલસીવાડમાં રહેતા એવા મુસ્લિમ પરિવારની જે બે પેઢીઓથી તુલસી માતાને શણગારવાનું કાર્ય કરે છે.
નરસિંહજીનો વરઘોડો તરીકે ઓળખાતી તુલસી વિવાહની શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લેતા અને તુલસી માતાને વધુની જેમ તૈયાર કરવાનું કામ કરતા મુસ્લિમ પરિવારના શેખ અબ્દુલ સલામ ચિત્રલેખા.કોમને કહે છેઃ “મારા પરદાદાના સમયથી અમે તુલસી માતાનો શણગાર કરતા આવીએ છીએ. નરસિંહજીનો વરઘોડો નિકળે એટલે સૌ પ્રથમ તુલસીવાડમાં આવે અહીં જ મોટાભાગની વિધી થાય છે. અમારો આખોય પરિવાર તુલસી વિવાહના પ્રસંગે ખુબ જ ઉત્સાહિત હોય છે”.
‘નરસિંહજીનો વરઘોડો’
વડોદરાના શેખ પરિવાર માટે તુલસી વિવાહની પરંપરા ખુબ મહત્વ ધરાવે છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામની શોભાયાત્રામાં ભાગ લે છે. ઉપરાંત ‘નરસિંહજીનો વરઘોડો’ તરીકે ઓળખાતી આ શોભાયાત્રાની તૈયારી કરવાની જવાબદારી પણ આ પરિવાર જ નિભાવે છે.
આ શોભાયાત્રા શહેરના કોટવાળા વિસ્તારમાં સૌથી મોટા ધાર્મિક ઉજવણીઓમાંની એક છે. આ પ્રંસગ માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ શોભાયાત્રા અને તુલસી વિવાહમાં ભાગ લેવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. શોભાયાત્રાની સુવિધા માટે ટ્રાફિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
‘વધુ’ની જેમ તૈયાર કરવામાં આવે છે તુલસીજી
કારેલીબાગના તુલસીવાડી વિસ્તારમાં દેવી તુલસીજીને વિવાહ પહેલા એક ‘વધુ’ની જેમ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ નરસિંહજીની પોળમાં આવેલા નરસિંહજીના મંદિરેથી નીકળેલ જાનનો વરઘોડો તુલસીવાડી પહોંચે છે જ્યાં લગ્નની તમામ વિધિ થાય છે. તુલસીવાડીમાં ઉજવાતા તુલસી વિવાહમાં બે પેઢીઓથી શેખ પરિવારના સભ્યો દ્વારા ‘વધુ’ ‘તુલસી’ને તૈયાર કરવામાં આવે છે.
પિતાની પરંપરાને જાળવી રાખી
ચિત્રલેખા.કોમ સાથે વધુમાં વાત કરતા શેખ પરિવારના અબ્દુલસલામ કહે છે કે “મારા પિતા મોહમ્મદ સુલેમાન શેખ લગભગ 50 વર્ષ પહેલા બિહારથી શહેરમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. એ દિવસોમાં પરિવાર સૂટકેસ બનાવતો અને અન્ય કામ કરતો. 50 વર્ષ પહેલા મારા પિતાને આ સ્થાન તુલસીવાડીમાં રહેવા માટે જગ્યા આપવામાં આવી હતી. ત્યારથી મારા પિતા તુલસીવાડીની સંભાળ રાખતા હતા. મારા પિતાને ખેતીમાં રસ હોવાથી એમણે વાડીમાં તુલસી સહિત અન્ય છોડ પણ ઉગાડ્યા. 2006માં પિતાના અવસાન બાદ છેલ્લા 25-30 વર્ષથી હું તુલસીવાડીનું ધ્યાન રાખું છું.”
મંદિરના ટ્ર્સ્ટીઓ કરે છે સન્માન
મંદિરના ટ્રસ્ટીઓ માને છે કે અબ્દુલસલામના પિતા એક સારા માણસ હતા. એમના પરિવારની આ બીજી પેઢી છે જે ત્યાં કામ કરી રહી છે. તેઓ પરિસર અને તુલસીજીની સારી સંભાળ રાખે છે. માટે દર વર્ષે અન્ય લોકો સાથે એમનું પણ સન્માન કરવામાં આવે છે.
કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
હિન્દુ પરંપરામાં તુલસી વિવાહની ઉજવણી ધાર્મિક રીતે વધુ માહાત્મ્ય ધરાવે છે. ગુજરાતના વડોદરામાં તુલસી વિવાહ સાંપ્રદાયિક સૌહાર્દનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં મુસ્લિમ પરિવાર હિન્દુઓના તુલસી વિવાહના ઉત્સવમાં ઉત્સાહથી ભાગ લે છે.
હેતલ રાવ
પ્રજ્ઞેશ વ્યાસ